નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી પછી ગંભીરે દિલ્હી પોલીસમાં ફરરિયાદ નોંધાવી હતી અને તાત્કાલિક કાર્યવાહીની માગ કરી હતી. રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનના SHO અને સેન્ટ્રલ દિલ્હીના DCP ના જણાવ્યા અનુસાર ગંભીરે ઔપચારિક રીતે FIR નોંધવાની વિનંતી કરી હતી.
ગંભીરને 22 એપ્રિલે બે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. એક ઈમેલ બપોરે અને બીજો સાંજે આવ્યો હતો. બંને પર ‘આઈ કિલ યુ’ મેસેજ લખેલો હતો. આ પહેલી વાર નથી જ્યારે ગંભીરને આવી ધમકીઓનો સામનો કરવો પડ્યો હોય. નવેમ્બર, 2021માં સાંસદ તરીકેના તેમના કાર્યકાળમાં પણ આવો જ ઈમેલ મળ્યો હતો.
ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી બાબતે દિલ્હી પોલીસે કહ્યું હતું કે અમને એક ઈમેલ વિષે માહિતી મળી છે, જેમાં ગૌતમ ગંભીરને ધમકી આપવામાં આવી છે. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. ગંભીર પહેલેથી જ દિલ્હી પોલીસની સુરક્ષામાં છે. અમે તેમની સુરક્ષા સંબંધિત ચોક્કસ માહિતી જાહેર કરી શકતા નથી.
ગંભીરે મંગળવારે X પર પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી. ગંભીરે X પર લખ્યું હતું કે માર્યા ગયેલા લોકોના પરિવારો માટે પ્રાર્થના. આ માટે જવાબદાર લોકોને તેની કિંમત ચૂકવવી પડશે. ભારત જવાબ આપશે.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આ હુમલામાં 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે આતંકવાદીઓએ બૈસરન ઘાટીમાં પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો 2019 ના પુલવામા હુમલા પછીનો સૌથી ભયાનક માનવામાં આવી રહ્યો છે.
