નવસારીમાં પૂરનું સંકટ, અંબિકા નદી ખતરાની સપાટીથી ઉપર વહી

નવસારી: કાવેરી, અંબિકા તથા પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો થવાના કારણે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને ખસેડીને શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં સ્થાનિક તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે અંબિકા નદી તેની ભયજનક સપાટી 28 ફૂટ કરતા ઉપરના સ્તરે 28.53 ફૂટે વહી રહી છે. જ્યારે સ્થાનિક તંત્રનું કહેવું છે કે હાલની પરિસ્થિતિ જોતાં અંબિકા નદીનું જળસ્તર વધુ વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આથી સ્થાનિક તંત્ર દ્વારા અંબિકા નદીના આસપાસના અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે જવા માટે સૂચના આપવામાં આવી છે.બીજી તરફ પૂર્ણા નદીના પાણી નવસારી શહેરમાં ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં આવેલા નવીન નગર વિસ્તારમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારના લોકોનું સ્થળાંતરનું કામ પણ ચાલી રહ્યું છે.

નવસારી જિલ્લા કલેક્ટર અનુસાર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે 3 સ્ટેટ હાઈ વે, 6 જિલ્લાના મુખ્યમાર્ગ અને 110 પંચાયતના રસ્તાઓને નુક્સાન પહોંચ્યું છે અથવા તો તેમાં પાણી ભરાઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં લોકોને ઘરે જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. છતાં જો બહાર નીકળવું પડે તો વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.