બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. અહીં અનેકલ વિસ્તારમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતી 13 વર્ષની વિદ્યાર્થિનીએ કથિત રીતે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. વિદ્યાર્થિની પાસેથી એક કથિત સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેણે પોતાની આત્મહત્યાના કારણરૂપ બનેલી પરિસ્થિતિઓનો ઉલ્લેખ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસ હાલમાં તેની તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યાનુસાર વિદ્યાર્થિનીએ પોતાની કથિત સુસાઇડ નોટમાં લખ્યું છે કે હોમવર્ક પૂર્ણ ન કરવા બદલ એક શિક્ષિકાએ તેને 20 રૂપિયાનો દંડ ભરવા કહ્યું હતું. એટલું જ નહીં, તેને ટ્રાન્સફર સર્ટિફિકેટ (TC) આપી શાળામાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપવામાં આવી હતી. વિદ્યાર્થિનીનો દાવો હતો કે આ ઘટનાને કારણે તે ખૂબ જ અપમાનિત અને માનસિક રીતે વ્યથિત અનુભવતી હતી.
સુસાઇડ નોટમાં વિદ્યાર્થિનીએ શું લખ્યું?
સુસાઇડ નોટમાં તેણે લખ્યું હતું કે મા, કૃપા કરીને મને માફ કરી દેજો… હું આ દુનિયામાં જીવવા લાયક નથી… શાળામાં બનેલી ઘટનાથી મારું મન ખૂબ દુઃખી થયું છે… મારા પર ખોટા આરોપો મૂકવામાં આવ્યા છે… મા અને મોટી બહેન, આમાં તમારો કોઈ વાંક નથી… હું મેડમ અને સૌની માફી માગું છું. આ શબ્દો લખ્યા બાદ આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હતી.
પરિવારે લગાવ્યા હેરાનગતિના આક્ષેપ
મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે શાળાના કેટલાક શિક્ષકો દ્વારા સતત તેની હેરાનગતિ અને માનસિક સતામણી કરવામાં આવતી હતી. પરિવારનું કહેવું છે કે આ જ માનસિક દબાણને કારણે બાળકીએ આટલું કઠોર પગલું ભર્યું હતું. તેમણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
Karnataka: A Class 8 student allegedly died by suicide in Anekal after reportedly facing harassment by teaching staff at a government high school. In a purported suicide note, she alleged she was punished for not completing homework, fined ₹20, and threatened with a transfer… pic.twitter.com/ppCgI0hfdU
— IANS (@ians_india) July 10, 2026
પોલીસે તપાસ શરૂ કરી
સૂર્યનગર પોલીસે આ મામલે અકુદરતી મૃત્યુ (Unnatural Death)નો ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ કથિત સુસાઇડ નોટ, પરિવારના આક્ષેપો તથા અન્ય તમામ પાસાંઓની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનાં વાસ્તવિક કારણો અને જવાબદારી અંગે સ્પષ્ટ માહિતી સામે આવશે.






