મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE)એ આજે જાહેરાત કરી છે કે તેના ક્રૂડ ઓઇલ ઑપ્શન્સમાં નવ જુલાઈએ અત્યાર સુધીનું સર્વોચ્ચ દૈનિક પ્રીમિયમ ટર્નઓવર રૂ. 2006.49 કરોડ અને સર્વોચ્ચ ટ્રેડિંગ વોલ્યુમ 47,33,862 કોન્ટ્રેક્ટ્સ નોંધાયા છે. એ જ દિવસે એક્સચેન્જે 1,14,000થી વધુ કોન્ટ્રેક્ટ્સના સર્વોચ્ચ ઇન્ટ્રા-ડે ઓપન ઇન્ટરેસ્ટનો પણ રેકોર્ડ નોંધાવ્યો હતો. આ સિદ્ધિઓ દર્શાવે છે કે એનર્જી બજારમાં વધતી અસ્થિરતા વચ્ચે બજારના ભાગીદારો દ્વારા ભાવ જોખમનું સંચાલન કરવા તેમ જ ટ્રેડિંગ અને હેજિંગ વ્યૂહરચનાઓ અમલમાં મૂકવા માટે NSEના ક્રૂડ ઓઇલ ઓપ્શન્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે.
NSEએ બજારના પ્રતિસાદને ધ્યાનમાં રાખીને 6 નવેમ્બર, 2025થી ક્રૂડ ઓઇલ ઓપ્શન્સની એક્સપાયરી તારીખમાં ફેરફાર કર્યો હતો. અગાઉ એક્સપાયરી આધારભૂત ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની એક્સપાયરીના બે કાર્યકારી દિવસ પહેલાં રાખવામાં આવતી હતી, જેને બદલીને હવે સાત કાર્યકારી દિવસ પહેલાં રાખવામાં આવી છે. આ ફેરફારનો હેતુ બજારના ભાગીદારોને વધુ ટ્રેડિંગ લવચિકતા, વધુ સારી જોખમ વ્યવસ્થાપન તકો અને બજારની ગતિશીલ પ્રથાઓ સાથે વધુ સુસંગતતા પ્રદાન કરવાનો હતો.
આ ફેરફાર બાદ કોન્ટ્રેક્ટમાં પ્રીમિયમ ટર્નઓવર, ટ્રેડિંગ વોલ્યુમ અને ઓપન ઇન્ટરેસ્ટ જેવા મુખ્ય માપદંડોમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. વધતી ભાગીદારી દર્શાવે છે કે સુધારેલી કોન્ટ્રેક્ટ રચના બજાર માટે વધુ પ્રાસંગિક બની છે અને બજારના ભાગીદારોનો તેના પર વિશ્વાસ વધ્યો છે. ક્રૂડ ઓઇલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટની અગાઉની એક્સપાયરી તારીખ (9 જૂન, 2026) પર પણ NSEએ મજબૂત બજાર ભાગીદારી નોંધાવી હતી. તે દિવસે 28,64,618 કોન્ટ્રેક્ટ્સનું ટ્રેડિંગ થયું હતું અને રૂ. 1239.10 કરોડનું પ્રીમિયમ ટર્નઓવર નોંધાયું હતું. એ ઉપરાંત NSEના ક્રૂડ ઓઇલ ફ્યુચર્સમાં પણ 9 જૂન, 2026એ રૂ. 378.32 કરોડનું સર્વોચ્ચ ટર્નઓવર નોંધાયું હતું.
NSE બજારના ભાગીદારો સાથે સતત સંવાદ જાળવી રાખશે અને તેની પ્રોડક્ટ્સમાં જરૂરી સુધારાઓ કરીને પ્રવાહિતા (Liquidity) વધારવા, જોખમ વ્યવસ્થાપનના વધુ સારા વિકલ્પો પૂરા પાડવા અને કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં અસરકારક પ્રાઇસ ડિસ્કવરી (Price Discovery) પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે. બજારના પ્રતિસાદને આધારે NSEએ નેચરલ ગેસ ઓપ્શન્સની એક્સપાયરી તારીખમાં પણ ફેરફાર કર્યો છે. 25 મે, 2026થી અમલમાં આવેલા આ ફેરફાર મુજબ એક્સપાયરી હવે આધારભૂત ફ્યુચર્સ કોન્ટ્રેક્ટની એક્સપાયરીના બે કાર્યકારી દિવસ પહેલાંની જગ્યાએ ચાર કાર્યકારી દિવસ પહેલાં થશે.






