ફરી એક વાર… એકાંતથી સંગાથ સુધીની મધુર યાત્રા

જીવનમાં એક ઉક્તિ ઘણી વાર સાંભળી હશેઃ કોઈ પણ ચીજ માટે ક્યારેય મોડું નથી હોતું. આ ઉક્તિને સાકાર કરતી ફિલ્મ ‘ફરી એક વાર’  આ શુક્રવારે (12 સપ્ટેમ્બરે) રિલીઝ થઈ રહી છે. ફિલ્મનો સૌથી મોટો સંદેશો એ છે કે નવી શરૂઆત જીવનના કોઈ પણ પડાવ પર શરૂ કરી શકાય. ઉંમર, સંજોગ કે જવાબદારીનાં બહાનાં વચ્ચે પણ માનવીનું હૃદય સ્નેહ, સંગાથ અને હૂંફની શોધમાં હોય છે. સમાજના અભિપ્રાયથી વધારે મહત્વનો છે અંતરનો આનંદ.

નિર્માણ મધુ એન્ટરટેઈન્મેન્ટ એન્ડ મિડિયા પ્રાઈવેટ લિમિટેડનું છે અનેફરી એક વાર’ ડિરેક્ટ કરી છે અખિલ કોટકે. ફિલ્મમાં એક ખાસ વાત હળવી ને સહજ રીતે કહેવામાં આવી છે કે સમાજમાં યુવાન-યુવતીઓ જ નહીં, પરંતુ વડીલો પણ એકલવાયું જીવન જીવે છે.વાર્તાના હાર્દમાં છે કુસુમબહેન (સુપ્રિયા પાઠક). સફળ છે, ફરીથી ઘર માંડવા ઉત્સુક યુવાન-વડીલો માટે ‘હેપિલી એવર આફ્ટર મેરેજ બ્યુરો’ ચલાવે છે. એમની યુવાવસ્થામાં કશુંક એવું બન્યું છે કે એમના લગ્ન તૂટી ગયાં છે. પુત્રી ખુશી (નેત્રી ત્રિવેદી)ને એકલા હાથે ઊછરી છે. તો રિશિકેશ (ટીકુ તલસાણિયા) નિવૃત્ત બિઝનેસમેન છે, વિધુર છે. એમના જીવનનું એક જ મિશન છેઃ એક સગાઈ અને એક લગ્ન તૂટ્યા બાદ લાડલી દીકરી લાવણ્યા (અવનિ મોદી)ને સુખી રાખે એવો મજાનો છોકરો મળી જાય. પિતા-પુત્રી કુસુમબહેનના મેરેજ બ્યુરોમાં નામ નોંધાવવા જાય છે, કુસુમબહેનને મળતાં  ધીરે ધીરે રિશિકેશનું સ્વભાવપરિવર્તન થવા માંડે છે. અમુક ઘર કરી ગયેલી માન્યતા ભાંગી ને ભુક્કો થાય છે. દરમિયાન અર્જુન (ઉત્સવ નાયક) લાવણ્યાને ગમી જાય એવો છોકરો છે, પણ…

દિગ્દર્શક અખિલ કોટક કહે છેઃ ‘ફિલ્મનો મધ્યવર્તી વિચાર પુનર્લગ્ન છે. આપણે ગમે તેટલા મોડર્ન થઈએ, પણ સેકન્ડ મેરેજ સમાજમાં હજીયે સ્વીકાર્ય નથી, હજીય આ અંગે પૂર્વગ્રહો છે. અમારું કહેવું એટલું જ છે કે પ્રેમ, સંગાથ અને સુખનો અવસર ઉંમર, સંજોગ કે સમાજે ચોંટાડેલાં લેબલ પર આધાર રાખતાં નથી.’

એ ઉમેરે છે કે ‘સાઠ વટાવ્યા પછી જીવનમાં ખાલીપો વર્તાતો હોય ત્યારે જીવનમાં એક સાથીની સૌથી વધારે જરૂર હોય છે. એવો લાઈફ પાર્ટનર જેની સાથે બેસીને વાતો કરી શકાય, સુખદુખ વહેંચી શકાય. અને પ્રેમ કે સંગાથ માત્ર યુવાની સુધી જ સીમિત નથી.’

રંગભૂમિ અને ફિલ્મના ઉમદા અદાકાર ટીકુ તલસાણિયા કહે છેઃ ‘મને ફિલ્મની લાગણીનીતરતી કથા-પટકથા અને મારું પાત્ર ગમી ગયાં. ગુજરાતમાં સળંગ શિડ્યુઅલમાં ફિલ્મ શૂટ કરી, સૌ સાથે રહ્યાં. આ અનુભવ યાદગાર રહ્યો. સેટ્સ પર સૌ સાથે મળીને સીનની ચર્ચા કરતાં… અમે બધાં ફિલ્મમાં ઓતપ્રોત થઈ ગયાં હતાં જેનાં પરિણામ તમને પરદા પર જોવા મળશે.’

ટીકુભાઈ ઉમેરે છે કે ગુજરાતી ચિત્રસૃષ્ટિનો આ સરસ સમય છે, સારું કામ થઈ રહ્યું છે, નવા નવા વિષયો પર વાર્તાઓ લખાય છે, નવા પ્રતિભાશાળી સર્જકો, કલાકારો આવી રહ્યા છે, પ્રેક્ષકો વેગળા વિષયોને વધાવી રહ્યા છે.

જ્યારે સુપ્રિયા પાઠક કહે છેઃ ‘મને સેકન્ડ મેરેજના બ્યુરોવાળી વાત ગમી ગઈ. અસામાન્ય કહેવાય એવો વિષય છે છતાં સીધીસાદી, સિમ્પલ, સ્વીટ સ્ટોરી છે. જાણે કોઈનો જીવનવૃત્તાંત વાંચી રહ્યાં હોઈએ એવું લાગે. વાર્તા પ્રેક્ષકોને સ્પર્શી જશે… કંઈકેટલી લાગણીઓ ધરબીને બેઠેલી કુસુમનું મારું પાત્ર ગમી ગયું.’ એ કહે છે કે ‘હું અને ટીકુભાઈ આટલાં વર્ષોથી કામ કરી રહ્યાં છીએ, પણ સાથે આવવાની તક આ પહેલી વાર મળી. એ કશીયે હો-હા વિના શાંતિથી કામ કરે. સિનિયર કલાકાર હોવા છતાં સૌ સાથે પ્રેમથી, હળીમળીને કામ કરે.’

સુપ્રિયાબહેન ઉમેરે છે કે ‘અખિલ કોટકે નાજુક વિષયની માવજત સરસ કરી છે. એ સારા દિગ્દર્શક તો છે, વ્યક્તિ પણ મજાની છે. બીજી બાજુ, ક્યારેય ચંચૂપાત ન કરતા સપોર્ટિવ પ્રોડ્યુસર હીરાચંદ દંડ છે. કહેવાનું એ કે જો સેટ-અપ સારો હોય તો કલાકારનું કામ ઘણું સરળ થઈ જાય. મારા માટે આ અત્યાર સુધીનું સૌથી સ્મૂધ શૂટ હતું.’

ફિલ્મનાં કથા-પટકથા-સંવાદ કાજલ મહેતાએ આલેખ્યાં છે. ટીકુ તલસાણિયા-સુપ્રિયા પાઠક ઉપરાંત નેત્રી ત્રિવેદી, ઉત્સવ નાયક, અવનિ મોદી, કોમલ પંચાલ જેવા સશક્ત કલાકારો છે. સાબરમતી નદીનાં જળ પર વહેતી અક્ષર રિવર ક્રૂઝમાં શૂટ થયેલું, હિતુ કનોડિયા-મોના થિબાને ચમકાવતું, અઘોરી મ્યુઝિકે સ્વરાંકિત કરેલું મારે હાટું પાટણથી પટોળાં જુવાન હૈયાંના પગ થિરકતા કરી દે એવું મસ્ત બન્યું છે.

જીવનમાં બીજો અવસર પણ સુખદ્ હોઈ શકે, સંબંધોની નવી, રેશમી ગાંઠ બાંધવાની કોઈ સમયમર્યાદા હોતી નથી એનો અનુભવ કરવો હોય તો પહોંચી જજો તમારી નજીકના થિયેટરમાં.