ફડણવીસ સરકાર વામપંથી સંગઠનો પર નિયંત્રણ લાવવા માગે છે?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં તાજેતરમાં એક એવું બિલ પાસ થયું છે, જે રાજ્ય સરકાર અનુસાર વામપંથી ઉગ્ર સંગઠનોની કથિત ગેરકાયદે પ્રવૃત્તિઓ પર રોક લાવવા માટે લાવવામાં આવ્યું છે. વિપક્ષે આ બિલને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ બિલનું નામ મહારાષ્ટ્ર સ્પેશિયલ પબ્લિક સિક્યોરિટી બિલ છે. CM ફડણવીસે જણાવ્યું છે કે આ બિલનો ઉપયોગ રાજકીય કાર્યકરો અથવા વિરોધ પ્રદર્શન કરનારા લોકો વિરુદ્ધ કરવામાં નહીં આવે, પરંતુ વિપક્ષ આ બિલના દુરુપયોગની આશંકા જતાં અવાજ ઉઠાવી રહ્યો છે.

વિપક્ષનો વિરોધ

NCP (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવાર, શિવસેના (UBT)ના ભાસ્કર જાધવ અને વરુણ સરદેસાઈ, તેમજ કોંગ્રેસના વિશ્વજિત કદમે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં રચાયેલી સમિતિનાં તમામ સૂચનો બિલમાં સામેલ નથી કરાયાં. તેમણે બિલમાં વપરાયેલા શબ્દો જેમ કે ‘વામપંથી ઉગ્રવાદ’ (Left Wing Extremism) અને ‘ગેરકાયદે પ્રવૃત્તિઓ’ (Unlawful Activities)ની વ્યાખ્યાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.

કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલેએ જણાવ્યું કે વિપક્ષ તરફથી આ બિલને લઈ 12,000 સૂચનો અને અરજીઓ આપવામાં આવી હતી, પરંતુ તેમાં માત્ર ત્રણને જ સ્વીકારવામાં આવી. રોહિત પવારનું કહેવું છે કે વામપંથી ઉગ્ર વિચારધારાની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી અને જ્યારે પહેલેથી જ આ માટેના કાયદા હાજર છે, તો નવા કાયદાની જરૂર શી?

CM ફડણવીસનો જવાબ

વિપક્ષના પ્રશ્નોના ઉત્તરમાં CM ફડણવીસે જણાવ્યું હતું કે આ બિલ એવાં સંગઠનો વિરુદ્ધ છે જે લોકોને ભારતીય બંધારણ ઉખેડી ફેંકવા માટે ભડકાવે છે. આ દેશની આંતરિક સુરક્ષા માટે છે. આ બિલ ભાકપા કે માકપા જેવી વામપંથી રાજકીય પાર્ટીઓ વિરુદ્ધ નથી. આપણા વિચારો અલગ હોઈ શકે, પરંતુ અમે તેમનું સન્માન કરીએ છીએ. આ એવાં સંગઠનો વિરુદ્ધ છે જેમનો ઉદ્દેશ દેશની સંસ્થાઓને નષ્ટ કરવો છે. આવાં તત્વોને કાયદાની કાર્યવાહીનો સામનો કરવો પડશે.