મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીના કેસ વધી ગયા હોવાથી ઠેરઠેર લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે બોલીવૂડની અનેક હસ્તીઓ મદદ કરવા આગળ આવી છે. આમાં ગાયક સોનૂ નિગમનો પણ સમાવેશ થાય છે. તેણે પૂર્વ મુંબઈના ભાજપના સંસદસભ્ય મનોજ કોટક દ્વારા મુલુંડ ઉપનગરમાં એક શાળામાં કોરોના-દર્દીઓ માટે શરૂ કરેલી એક ઓક્સિજન બેન્ક તથા દર્દીઓના પરિવારજનો માટે શરૂ કરેલા એક આઈસોલેશન સેન્ટરનું ઉદઘાટન કર્યું છે.
નિગમે કહ્યું કે, હાલ દરેક જણ આ રોગચાળા સામે લડી રહ્યા છે. અહીંનું સેન્ટર કોરોના બીમારીનો જેમની પર અત્યંત ખતરો હોય એવા દર્દીઓ માટે છે. અહીં ઓક્સિજન સિલીન્ડરો મૂકવામાં આવ્યા છે જે જરૂરિયાતમંદોને મફતમાં પૂરા પાડવામાં આવશે. હાલ જરૂર છે દરેક જણ કોરોના-પ્રતિરોધક રસી લઈ લે. આપણો સમગ્ર દેશ આ બીમારી સામેના જંગમાં બહુ જલદી સફળતા હાંસલ કરશે.
(તસવીર સૌજન્યઃ મનોજ કોટક ટ્વિટર)