બાયોપિકમાં વિવેક ઓબેરોય બનશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી; ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરાયો

મુંબઈ – ભારતના લોકપ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક બાયોપિક ફિલ્મ આવી રહી છે. ફિલ્મનું નામ ‘પીએમ નરેન્દ્ર મોદી’ રાખવામાં આવ્યું છે. એનું ફર્સ્ટ પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મમાં મોદીનું પાત્ર વિવેક ઓબેરોય ભજવશે, જે છેલ્લે ‘બેન્કચોર’ ફિલ્મમાં જોવા મળ્યો હતો.

વિવેક છેલ્લા કેટલાક વખતથી ફિલ્મી ઝાકઝમાળ દૂર રહ્યો છે. તેથી મોદી બાયોપિક ફિલ્મ એને પોતાની કારકિર્દીનું નવેસરથી ઘડતર કરવામાં મદદરૂપ થશે.

ફિલ્મ સમીક્ષક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર નરેન્દ્ર મોદી બાયોપિકનું ફર્સ્ટ લૂક શેર કર્યું છે. એની સાથે એમણે લખ્યું છે કે, ‘વિવેક આનંદ ઓબેરોય (વિવેક ઓબેરોય) ચમકશે નરેન્દ્ર મોદી બાયોપિકમાં. શિર્ષક છે ‘પીએમ નરેન્દ્ર મોદી’.. આ છે, એનું ફર્સ્ટ લૂક પોસ્ટર, જેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 23 ભાષાઓમાં લોન્ચ કર્યું છે… દિગ્દર્શક છે ઓમંગ કુમાર, નિર્માતા છે સુરેશ ઓબેરોય અને સંદીપ સિંહ.’

ઓલિમ્પિયન મહિલા બોક્સર એમ.સી. મેરી કોમની બાયોપિકનાં દિગ્દર્શક ઓમંગ કુમાર જ મોદી-બાયોપિક બનાવી રહ્યા છે. ઓમંગ કુમારે છેલ્લે સંજય દત્ત, અદિતી રાવ હૈદરી અભિનીત ‘ભૂમિ’ બનાવી હતી.

પીએમ મોદીના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મનું શૂટિંગ આ જ મહિનાથી શરૂ કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]