મુંબઈઃ કોરોના વાઈરસે અભિનયક્ષેત્રની એક વધુ કલાકારનો જીવ લીધો છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ટીવી સિરિયલની અભિનેત્રી દિવ્યા ભટનાગરનું કોવિડ-19, ન્યુમોનિયા સામે અમુક અઠવાડિયા સુધી સંઘર્ષ કર્યા બાદ આજે સવારે નિધન થયું હતું. નવી દિલ્હીમાં જન્મેલાં દિવ્યા ભટનાગર 34 વર્ષનાં હતાં અને એમને ગયા નવેમ્બર મહિનામાં કોરોના થયો હતો. એ છેલ્લા અમુક દિવસોથી વેન્ટીલેટર પર હતાં.
ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી, જે દિવ્યાની ખાસ સહેલી હતી, તેણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર દિવ્યાનાં નિધનનાં સમાચાર આપ્યાં હતાં. પોસ્ટમાં દિવ્યા સાથેની પોતાની તસવીર સાથે દેવોલીનાએ દર્દભર્યું લખાણ પણ લખ્યું છે.
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સિરિયલમાં ‘ગુલાબો’નું પાત્ર ભજવનાર દિવ્યાએ આ ઉપરાંત ‘સંસ્કાર’, ‘ઉડાન’, ‘જીત ગયી તો પિયા મોરે’, ‘વિશ’ જેવી અન્ય સિરિયલોમાં પણ કામ કર્યું હતું. ‘તેરા યાર હૂં મૈં’ કોમેડી શોનું શૂટિંગ ચાલુ હતું એ જ દરમિયાન દિવ્યાની તબિયત લથડી હતી. એમને હાઈ બ્લડપ્રેશરની પણ તકલીફ હતી.
