દિલીપકુમારની ઇમ્યુનિટી ઘટી ગઈ છેઃ સાયરાબાનુ

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી સાયરા બાનો પતિ દિલીપ કુમારનું બહુ ધ્યાન રાખે છે. દરેક મુસીબતમાં તે તેમની પડખે ઊભી રહે છે. સાયરા બાનોએ દિલીપકુમારનું હેલ્થ અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું છે કે દિલીપકુમાર હાલ નબળા પડ્યા છે અને તેમની ઇમ્યુનિટી પણ ઓછી થઈ છે. તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો, અમે પ્રતિદિન ભગવાનનો આભાર માનીએ છીએ, એમ તેમણે કહ્યું હતું. દિલીપકુમારની આ સપ્તાહમાં 11 ડિસેમ્બરે વર્ષગાંઠ છે.

તેઓ કેટલીય વાર હોલ સુધી જાય છે અને પછી પાછા રૂમમાં જતા રહે છે. હું દબાણમાં નહીં, પણ પ્રેમથી દિલીપસાહબનું ધ્યાન રાખું છું. મને પ્રશંસા નથી જોઈતી. તેમની સાથે રહેવું એ મારા માટે બહુ સારી વાત છે. હું તેમને બહુ પ્રેમ કરું છું. તેઓ મારા પ્રાણ છે.

11 ઓક્ટોબરે બંનેના લગ્નની વર્ષગાંઠ હતી, પણ આ વખતે બંનેએ એ ખાસ દિવસે વર્ષગાઠ નહોતી ઊજવી, કેમ કે આ વર્ષે દિલીપકુમારના બે ભાઈઓનાં નિધન થયાં હતાં. સાયરાએ સોશિયલ મિડિયા પર લખ્યું હતું કે 11 ઓક્ટોબર હંમેશાં મારા જીવનનો સૌથી ખૂબસૂરત દિવસ રહ્યો છે. આ દિવસે દિલીપકુમાર સાહેબે મારી સાથે લગ્ન કરીને મારું સ્વપ્ન પૂરું કર્યું હતું. બધા જાણે છે અમે બે ભાઈ- એહસાનભાઈ અને અસલમભાઈને ગુમાવી દીધા છે. કોવિડ-19થી અનેક લોકોનાં મોત થયાં છે. અમે મિત્રો, પરિવારના સભ્યોને વિનંતી કરીએ છીએ કે હાલના માહોલમાં સૌ એકબીજા માટે પ્રાર્થના કરે. ભગવાન બધાને સુરક્ષિત રાખે, એમ તેમણે કહ્યું હતું.