મુંબઈઃ સબ ટીવી પરની લોકપ્રિય હિન્દી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અગાઉ ટપૂનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીના પિતાનું કોરોનાવાઈરસ ચેપી બીમારીને કારણે અહીં અવસાન થયું છે. ભવ્યના 51 વર્ષીય પિતા વિનોદ ગાંધીનું ગઈ કાલે મોડી રાતે અહીંની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં નિધન થયું હતું.
ભવ્ય ગાંધીની નિકટના સૂત્રના જણાવ્યા મુજબ, વિનોદ ગાંધી કોરોના પોઝિટીવ થયા બાદ બે દિવસ સુધી હોમ ક્વોરન્ટીન હતા. પરંતુ અચાનક એમનું ઓક્સિજન લેવલ ઘટી જતાં એમના બંને દીકરાએ તરત જ એમને અંબાણી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં છેલ્લા ત્રણ સપ્તાહથી એમની સારવાર ચાલતી હતી. એ વેન્ટીલેટર પર હતા, પરંતુ એમની તબિયતમાં સુધારો જણાતો હતો, પરંતુ મંગળવારે રાતે એમનું ઓક્સિજન લેવલ અત્યંત ઓછું થઈ ગયું હતું અને એમનું નિધન થયું હતું. એમને તે પહેલાં કોઈ બીમારી નહોતી. ભવ્ય ગાંધીએ 2008થી લઈને 2017 સુધી – 9 વર્ષ સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં કામ કર્યું હતું. એણે દિલીપ જોશી (જેઠાલાલ) અને દિશા વાકાણી (દયા જેઠાલાલ)ના પુત્ર ટપૂનો રોલ કર્યો હતો. ત્યારબાદ પોતાની કારકિર્દીને ઘડવા માટે એણે આ સિરિયલ છોડી દીધી હતી અને તે અમુક ગુજરાતી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.