સલમાનની ‘રાધે’ 13-મેએ ઈદમાં જ રિલીઝ કરાશે

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ઘણા વખતથી પોતાની નવી ફિલ્મને ખાસ ઈદના તહેવારમાં જ રિલીઝ કરતો આવ્યો છે. પરંતુ કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો અને તેને કારણે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે તે ગયા વર્ષે પોતાની ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મને ઈદના તહેવારે રિલીઝ કરી શક્યો નહોતો. હવે આ વખતે તે ઈદના તહેવારમાં જ પોતાની આ ફિલ્મ રજૂ કરવાનો છે. આ વર્ષે પણ કોરોનાની બીજી લહેરે દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં વીક-એન્ડ લોકડાઉન, નાઈટ-કર્ફ્યૂ જેવા નિયંત્રણો લાગુ કરાયા છે. સંપૂર્ણ લોકડાઉનનો પણ ભય રહેતાં ‘રાધે’ ફિલ્મને 13 મેએ ઈદમાં રિલીઝ કરી શકવા અંગે નિર્માતાઓ ચોક્કસ નહોતા, પરંતુ હવે તેમણે નક્કી કર્યું છે કે એક્શન થ્રિલર ‘રાધે’ને તેઓ 13 મેએ જ થિયેટરોમાં રજૂ કરશે. પરંતુ આમાં, એક બીજી વાત પણ છે.

સલમાન ખાન અને ઝી કંપનીએ નક્કી કર્યું છે કે આ ફિલ્મને થિયેટરો અને ઓટીટી પ્લેટફોર્મ, એમ બંને પર સાથે જ રિલીઝ કરવી. તેથી ‘રાધે’ ફિલ્મને 13 મેના જ દિવસે થિયેટરોની સાથે ઝી પ્લેક્સ અને ઝી-5 ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર પણ રિલીઝ કરાશે. ઝી પ્લેક્સ પર પે-પર-વ્યૂ મોડેલ આધારિત ફિલ્મ રજૂ કરાશે. આમ, સલમાનના પ્રશંસકો માટે બે વિકલ્પ રહેશે, યા તો થિયેટરમાં જઈને ફિલ્મ જોવાનો આનંદ માણવો અથવા ઘેર બેઠાં ઓટીટી પર ફિલ્મ જોવી. ‘રાધે’ ફિલ્મ ઓટીટી પે-પર-વ્યૂ મોડેલ દ્વારા 40 દેશોમાં રિલીઝ કરાશે. જ્યારે ભારતમાં જ્યાં થિયેટરો ખુલ્લા રખાશે એ તમામ રાજ્યોમાં આ ફિલ્મ બતાવાશે. પ્રભુદેવા દિગ્દર્શિત અને સલમાન ખાન, સોહેલ ખાન, અતુલ અગ્નિહોત્રી નિર્મિત ‘રાધે’માં સલમાન દિશા પટની, રણદીપ હુડા, જેકી શ્રોફ, મેઘા આકાશ જેવા અન્ય કલાકારો પણ છે. ફિલ્મનું ટ્રેલર આવતીકાલે રિલીઝ કરવામાં આવનાર છે.