અમિત મિશ્રાએ આ રીતે જાળમાં ફસાવ્યો રોહિતને

ચેન્નઈઃ દિલ્હી કેપિટલના સ્પિનર અમિત મિશ્રાએ MIની સામે જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. મિશ્રાએ ચાર વિકેટ લીધી, જેમાં એક શિકાર રોહિત શર્મા હતો. રોહિતની સામે મિશ્રા ખાસ વિશેષ આયોજન સાથે બોલિંગ કરવા ઊતર્યો હતો. તે હંમેશાં રોહિત શર્માને ફ્લાઇટથી ચકમો આપે છે અ હંમેશાં MIના કેપ્ટનથી દૂર બોલ ફેંકવાના પ્રયાસ કરે છે, એમ સ્પિનરે જણાવ્યું હતું. આ મેચમાં શિખર ધવન અને સ્ટીવ સ્મિથના ક્રમશઃ 45 અને 33 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં મેચ જીતી હતી.

દિલ્હી કેપિટલને છેલ્લી બે ઓવરોમાં 15 રન જોઈતા હતા અને શિમોન હેટમાયર અને લલિત યાદવે છેલ્લે ટીમને જીત અપાવી હતી. મિશ્રાએ પૃથ્વી શોને IPLની સત્તાવાર વેબસાઇટમાં પોસ્ટ કરેલા વિડિયોમાં જણાવ્યું હતું કે હું મારા મેચમાં કરેલા દેખાવથી ખુશ છું, કેમ કે MIની સામે હતો. મુંબઈ પાસે ચેન્નઈમાં રમવાનો અનુભવ છે, પણ અમે તેમને હરાવવામાં સફળ થયા છીએ. હું હંમેશાં બહાર બોલ ફેંકવા પ્રયાસ કરું છું. રોહિતની સામે બોલ જોરથી નથી ફેંકતો. હું હંમેશાં તેને ફ્લાઇટ ચકમો આપું છું, જેથી તે એક શોટ મારવાનો પ્રયાસ કરે, જે તેની તાકાત નથી.

હું હંમેશાં વધુમાં વધુ વિકેટ લેવાના પ્રયાસ કરું છું અને જો હું લસિથ મલિંગાનો રેકોર્ડ તોડવામાં સફળ રહીશ તો એ મને ગમશે, એમ તેણે કહ્યું હતું. મલિંગા IPLમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. MI પહેલી છ ઓવરમાં 55 રન સાથે એક મોટા સ્કોર કરવા તરફ વધી રહી હતી, પરંતુ મિશ્રાએ તેની ધારદાર બોલિંગથી રોહિત શર્મા, કિરેન પોલાર્ડ. હાર્દિક પંડ્યા અને ઇશાન કિશનને પેવેલિયન ભેગા કર્યા હતા. દિલ્હી કેપિટલ્સ આગામી મેચ રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે.