જાપાનમાં ઇમર્જન્સી લગાવાશે તો ઓલિમ્પિક ગેમ્સ ટાળી દેવાશે

ટોક્યોઃ વિશ્વમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. જાપાનમાં પણ કોરોના કેસો વધતાં વડા પ્રધાન યોશિહિદે સુગાએ આ મહિનાને અંતે ભારત અને ફિલિપિન્સની યાત્રાને રદ કરવાનો નિર્ણય લીધો છે. જાપાનના ટોક્યો, ઓસાકા અને હ્યોગો પ્રાંતમાં સ્થિતિ વણસી રહી છે. જાપાનમાં કોરોના સંક્રમણને કારણે 23 જુલાઈથી શરૂ થનારી ઓલિમ્પિક ગેમો પર સંકટ ઘેરું બની રહ્યું છે. જાપાનમાં ઇમર્જન્સી લાગી તો ઓલિમ્પિક ગેમ્સ ટાળી દેવામાં આવશે. વળી જાપાનમાં રસીકરણ પ્રક્રિયા પણ ઘણી ધીમી છે. અહીં 20.54 લાખ લોકોને રસી અપાઈ છે, જ્યારે દેશની વસતિ 12.61 કરોડ આસપાસ છે.

જાપાનમાં આ વર્ષે ઓલિમ્પિક રમતોના આયોજકોએ કહ્યું હતું કે ઓલિમ્પિક મશાલ રિલેથી જોડાયેલા એક પોલીસ કર્મચારીનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. મશાલ રિલે 25 માર્ચે શરૂ થયા પછી એનાથી જોડાયેલો આ પહેલો પોઝિટિવ કેસ છે. આયોજકોએ જણાવ્યું હતું કે 30 વર્ષનો પોલીસ કર્મચારી ટ્રાફિક કન્ટ્રોલથી જોડાયેલો હતો. અધિકારીઓએ  કહ્યું હતું કે પોલીસ કર્મચારીએ માસ્ક પણ પહેરી રાખ્યો હતો અને સામાજિક અંતરના નિયમનું પાલન પણ કર્યું હતું, પણ તેમ છતાં તેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

બીજી બાજુ ઓલિમ્પિક રમતો રદ કરવાની અટકળો જારી છે. જોકે આ રમતોની આયોજન સમિતિના પ્રમુખ સેઇકો હાશિમોતોએ પહેલાં સ્પષ્ટતા કરી હતી કે એને રદ નહીં કરાય., પણ એને થોડો સમય માટે સ્થગિત કરી શકાશે.  તેમના આ નિવેદનથી ઓલિમ્પિક ગેમ્સ ફરી એક વાર સ્થગિત થાય એવી શક્યતા છે.  

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]