‘રાધે’નું ટ્રેલર રિલીઝઃ સલમાન, રણદીપની દિલચસ્પ ટક્કર

મુંબઈઃ શહેરમાં અને ખાસ કરીને બોલીવૂડમાં બહાર આવેલા કેફી દ્રવ્યોના સેવન-વ્યાપાર તથા ગુનાખોરીના દૂષણને ડામવા માટે હાલ કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આ જ વિષય પર આધારિત સલમાન ખાન નિર્મિત અને અભિનીત નવી આગામી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતી 13 મેએ ઈદ તહેવાર પર થિયેટરોમાં અને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરાનાર છે. આ ફિલ્મને વાસ્તવમાં ગયા વર્ષે રજૂ થવાની હતી, પરંતુ કોરોનાવાઈરસ રોગચાળો ફેલાતાં એને મુલતવી રાખવામાં આવી છે. સલમાન ખાન દોઢ વર્ષે રૂપેરી પડદા પર ફરી રજૂ થશે. તે 2019ની 20 ડિસેમ્બરે રિલીઝ કરાયેલી ‘દબંગ 3’માં જોવા મળ્યો હતો.

‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું ટ્રેલર એક્શનથી ભરપૂર છે. રાધે બનેલો સલમાન ખાન ડ્રગ્સના દાણચોરો, ગુનેગારો સામે પોતાની રીતે પગલાં લેવા માટે જાણીતો હોય છે. એની પ્રેમિકાનાં પાત્રમાં દિશા પટની છે જ્યારે રણદીપ હુડા બન્યો છે મુખ્ય ખલનાયક. ફિલ્મમાં ગોવિંદ નામદેવ અને જેકી શ્રોફની પણ મહત્ત્વની ભૂમિકા છે. ટ્રેલરમાં દિશા અને સલમાનની લિપ કિસની ઝલક બતાવવામાં આવી છે.