મુંબઈ – કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એ રોઝ વેલી ચિટ ફંડ કૌભાંડ દ્વારા મની લોન્ડરિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ 3 કંપનીઓની રૂ. 70.11 કરોડની કિંમતની સ્થાવર અને જંગમ મિલકતોને ટાંચ મારી છે. આ 3 કંપનીઓમાંની એક છે નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ, જે આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની એક ટીમ છે અને એનો સહ-માલિક બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન છે.
ED એજન્સીએ કોલકાતા નાઈટ રાઈડર્સ ઉપરાંત કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને મલ્ટીપલ રિસોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ તથા અમુક વ્યક્તિઓની સંપત્તિને પણ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ ટાંચ મારી છે. આ કંપનીઓએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ઈન્વેસ્ટરો-ડિપોઝીટરોને ઊંચા વ્યાજ-વળતરની લાલચ આપીને છેતર્યા હતા અને કરોડોની રકમમાં ડિપોઝીટ મેળવી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ કંપનીમાં શાહરૂખ ખાન, એની પત્ની ગૌરી ખાન, અભિનેત્રી જુહી ચાવલાનાં પતિ જય મહેતાની માલિકી છે. આમ, આ બધાં મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.
ED એજન્સીએ ઉક્ત કંપનીઓની જે સંપત્તિને ટાંચ મારી છે એમાં પશ્ચિમ બંગાળના રામનગર, માહીશદલ, પુર્બામેદિનીપુરમાં રૂ. 16.20 કરોડની કિંમતની, 24 એકરની જમીનના પ્લોટનો સમાવેશ થાય છે. તે ઉપરાંત મુંબઈમાં દિલકેપ ચેંબર્સમાંના એક ફ્લેટ, કોલકાતામાં ન્યૂ ટાઉન ખાતે જ્યોતિ બસુ નગરમાં એક એકરનો એક જમીન પ્લોટ, રોઝ વેલી ગ્રુપના વીઆઈપી રોડ ખાતેની એક હોટેલનો સમાવેશ થાય છે.
પશ્ચિમ બંગાળ પોલીસે રોઝ વેલી ગ્રુપની કંપનીઓ તથા અન્યો વિરુદ્ધ એફઆઈઆર તથા ચાર્જશીટ નોંધાવ્યા બાદ ઈડી એજન્સીએ સંપત્તિ જપ્ત કરવાનું પગલું ભર્યું છે.
એફઆઈઆર અને ચાર્જશીટના આધારે કેન્દ્રીય તપાસ એજન્સીએ હાથ ધરેલી તપાસ પરથી એવું જાણવા મળ્યું છે કે રોઝ વેલી ગ્રુપની કંપનીઓ સાર્વજનિક લોકો પાસેથી ગેરકાયદેસર રીતે અને છેતરપિંડીના ઉદ્દેશ્ય સાથે ડિપોઝીટ તરીકે પૈસા ઉઘરાવતી હતી. એ ઈન્વેસ્ટરોને એવું વચન આપતી હતી કે એમણે ઈન્વેસ્ટ કરેલી રકમ પર ઊંચી રકમનું વળતર મળશે. આમ કરીને રોઝ વેલી ગ્રુપની કંપનીઓએ PMLA કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે, ગુનો કર્યો છે.
ઈડીની તપાસમાં વધુમાં એવું માલૂમ પડ્યું છે કે રોઝ વેલી ગ્રુપની કંપનીઓએ ભારતભરમાંથી જાહેર જનતા પાસેથી ડિપોઝીટરોને ડિપોઝીટની રકમ પર ઊંચા વ્યાજ કે વળતર જેવા ખોટા વચન આપીને લલચાવીને રૂ. 17,520 કરોડથી વધારે રકમ એકઠી કરી હતી.
રોઝ વેલી ગ્રુપે રૂ. 10,850 કરોડની રકમનું રીફંડ આપી દીધું છે, પણ બાકીના રૂ. 6,670 કરોડ હજી ચૂકવ્યા નથી જે એનો ગુનો બન્યો છે. કંપનીએ લોકોને છેતરીને જે ભંડોળ મેળવ્યું હતું એ તેણે જુદી જગ્યાએ ડાઈવર્ટ કરી દીધું છે. તે એવો કોઈ સાચો ધંધો કરતી જ નથી કે જેથી તે ઈન્વેસ્ટરો-ડિપોઝીટરોને એમનાં નાણાં પાછા આપી શકે.
ઈડી એજન્સીએ રોઝ વેલી ગ્રુપની કંપનીઓની રૂ. 4,680 કરોડની માર્કેટ વેલ્યૂ ધરાવતી પ્રોપર્ટીઓને ઓળખી કાઢી છે અને એને ટાંચ મારી છે. આ પ્રોપર્ટીઓમાં અનેક લક્ઝરિયસ રિસોર્ટ્સ, હોટેલ્સ, વાહનો, ફ્લેટ્સ, જમીનના પ્લોટ્સ, સોનું તથા ઝવેરાતનો સમાવેશ થાય છે.
ઈડી એજન્સીએ 2015ના માર્ચ મહિનામાં રોઝ વેલી ગ્રુપની કંપનીઓના માલિક અને ચેરમેન ગૌતમ કુંદુની ધરપકડ કરી હતી અને તે હજી પણ અદાલતી કસ્ટડીમાં જ છે.
રોઝ વેલી ગ્રુપે બે વર્ષ સુધી કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ ટીમને સ્પોન્સર કરી હતી.
ઈડી એજન્સીના અધિકારીઓએ 2015માં શાહરૂખ ખાનની પૂછપરછ કરી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ કંપનીના 50 લાખ જેટલા શેર ઓછી કિંમતે જય મહેતાને વેચવા બદલ અને એમ કરીને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની જોગવાઈઓનો કથિતપણે ભંગ કરવા બદલ શાહરૂખની પૂછપરછ કરવામાં આવી હતી.