બુમરાહની સ્વિંગ બોલિંગ પર ફીદા થઈ ગઈ છે દિશા પટની

મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમના સ્ટ્રાઈક બોલર જસપ્રિત બુમરાહની કાતિલ ફાસ્ટ બોલિંગથી હરીફ બેટ્સમેનો થથરે છે અને એમને થથરતા જોઈને ભારતીય ક્રિકેટપ્રેમીઓ ખુશ થાય છે. એમાંની એક છે બોલીવૂડ અભિનેત્રી દિશા પટની.

આગામી હિન્દી ફિલ્મ ‘મલંગ’ની અભિનેત્રી દિશા બુમરાહની બોલિંગ ક્ષમતાથી ખૂબ પ્રભાવિત થઈ છે અને મુક્તકંઠે એની પ્રશંસા કરી છે.

દિશાએ કહ્યું, ‘જો તમને મને કહેશો કે મેચવિનિંગ ખેલાડી કોણ, તો હું જસપ્રિત બુમરાહનું નામ આપીશ. આપણી ટીમમાં ઉત્તમ ખેલાડીઓમાંનો તે એક છે. રવિવારે માઉન્ટ મોન્ગેનુઈમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે પાંચમી ટ્વેન્ટી-20 મેચ રમશે અને એમાં યજમાનોને બુમરાહ પછાડી દે તો એ જોવાની મજા આવશે.’

ખૂબસૂરત અભિનેત્રી દિશા તેની આગામી ફિલ્મ ‘મલંગ’ના પ્રચાર માટે ગઈ હતી ત્યારે એને ક્રિકેટ વિશેના સવાલો પૂછવામાં આવ્યા હતા અને ત્યારે એણે ઉપર મુજબ બુમરાહની પ્રશંસા કરી હતી.

‘મલંગ’ ફિલ્મમાં દિશાની સાથે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, કુણાલ ખેમૂ પણ છે.

આ કલાકારોએ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર ક્રિકેટ લાઈવ પ્રોગ્રામ વખતે પોતપોતાનાં અભિપ્રાય જણાવ્યાં હતાં.

અનિલ કપૂરને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું નામ આપ્યું હતું. એણે કહ્યું, વિરાટ કોહલી સબકા બોસ હૈ. ક્રિકેટ પ્રત્યેનો એનો જુસ્સો કોઈ પણ હરીફ ટીમને પછાડી દે એવો છે. રવિવારની મેચમાં પણ ભારત જીતશે તો અમે મલંગના કલાકારો એની ઉજવણી કરીશું.

કુણાલ ખેમૂએ કહ્યું કે પોતે રોહિત શર્માનો ચાહક છે. એની બેટિંગ ક્ષમતા ખૂબ જ પ્રભાવિત કરનારી છે. એ ટીમ ઈન્ડિયાનો હિટ મેન છે અને આત્મવિશ્વાસથી ભરપૂર છે. એ મોટા શોટ નિર્ભયતાપૂર્વક ફટકારે છે અને ટીમ માટે મેચવિનિંગ રન ફટકારે છે.

આદિત્ય રોય કપૂરે કહ્યું કે કે.એલ. રાહુલ ભારતીય ટીમનો અસાધારણ ઓલરાઉન્ડ ક્રિકેટર છે. રાહુલ મેચને આનંદદાયક બનાવી દે છે.