મરાઠી-હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી આશાલતા (79)નું કોરોનાને કારણે નિધન

મુંબઈઃ મરાઠી તથા બોલીવૂડની 100 જેટલી ફિલ્મો તેમજ રંગભૂમિનાં પીઢ અભિનેત્રી આશાલતા વાબગાવકરનું આજે સવારે અવસાન થયું છે. એમને કોરોના વાઈરસ બીમારી લાગુ પડી હતી. ચાર દિવસ સુધી બીમારી સામે ઝઝૂમ્યાં બાદ મહારાષ્ટ્રના સતારા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં આજે સવારે એમનું અવસાન થયું હતું. એ 79 વર્ષનાં હતાં.

ગોવામાં જન્મેલાં આશાલતા સોની મરાઠી ટીવી ચેનલ માટે મરાઠી ટીવી સિરિયલ ‘આઈ માઝી કાળૂબાઈ’નું શૂટિંગ કરતાં હતાં. ત્યાં એ બીમાર પડી ગયાં હતાં. 16 સપ્ટેમ્બરે એમની તબિયત વધારે ખરાબ થતાં એમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એમનાં શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હતું તેથી એમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં હતાં. આખરે આજે વહેલી સવારે લગભગ 4.30 વાગ્યે એમણે અંતિમ શ્વાસ લીધો હતો. આશાલતા ઉપરાંત તે સિરિયલના સેટ પરના બીજા આશરે 27 જણને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.

સતારા શહેરની નજીકના હિંગોલી ગામના એક ફાર્મ હાઉસમાં શૂટિંગ કરવામાં આવતું હતું. કહેવાય છે કે મુંબઈથી આવેલા એક ડાન્સ ગ્રુપનાં સભ્યોમાંથી ટીવી સિરિયલના સેટ પર કોરોનાનો ચેપ લાગ્યો હતો.

આશાલતાની તબિયત અચાનક વધારે બગડતાં એમને સતારાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

સિરિયલનાં નિર્માતા અલકા કુબલ છે. કોરોના સંકટ છતાં સિરિયલનું શૂટિંગ શરૂ કરવાની પરવાનગી મળતાં કોરોના સંબંધિત નિયમોના પાલન સાથે શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તે છતાં આટલા બધા લોકોને એક સાથે કોરોનાનો ચેપ કેમ લાગ્યો એ વિશે સવાલો ઊભા થયા છે.

આશાલતાનાં નિધનથી સમગ્ર મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી ફરી વળી છે.

જાણીતા મરાઠી તેમજ હિન્દી ફિલ્મો-સિરિયલોના અભિનેતા અશોક સરાફ અને આશાલતાએ એક જ મરાઠી ફિલ્મ સાથે અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. આશાલતાએ ‘નવરી મિળે નવર્યાલા’, ‘માહેરચી સાડી’, ‘વહિનીચી માયા’, ‘ઉંબરઠા’, ‘સુત્રધાર’ જેવી સુપરહિટ મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું.

‘ઝંજીર’ ફિલ્મમાં આશાલતાએ અમિતાભ બચ્ચનની સાવકી માતાની ભૂમિકા કરી હતી. તે ઉપરાંત અપને પરાયે, દાવા, અગ્નિસાક્ષી, ઝોરદાર, ખૂન કા કર્ઝ, અંકુશ, આઝાદ દેશ કે ગુલામ, ઘાયલ, બિલ્લૂ બાદશાહ, ગૈરકાનૂની, ફર્ઝ કી જંગ, હત્યા, મરતે દમ તક, વતન કે રખવાલે, સરફરોશ, રાજતિલક, શરાબી, વોહ સાત દિન, સદમા, કૂલી, નમક હલાલ, શૌકીન, આહિસ્તા આહિસ્તા જેવી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.