સુશાંત મૃત્યુ કેસઃ સારા અલી, શ્રદ્ધાની પણ પૂછપરછ કરાશે

મુંબઈઃ બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની ડ્રગ્સ એન્ગલથી તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) બોલિવુડ એક્ટ્રેસિસ સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને પૂછપરછ માટે બોલાવશે. NCBના ટોચના તપાસ સંબધિત સ્રોતે જણાવ્યું હતું કે આ સપ્તાહમાં અમે સારા, શ્રદ્ધા અને અન્ય ઘણા લોકોની પૂછપરછ કરવા માટે સમન્સ મોકલીશું.

આ ઉપરાંત NCB એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અને ફેશન ડિઝાઇનર સિમોન ખંભાતાને પણ સમન્સ મોકલશે. જોકે એજન્સી તેમને આવતા સપ્તાહે તપાસ માટે બોલાવે એવી શક્યતા છે. સારાએ સુશાંત સાથે ‘કેદારનાથ’ ફિલ્મમાં અભિનય કર્યો હતો, જ્યારે શ્રદ્ધાએ ‘છિછોરે’ ફિલ્મમાં દિવંગત અભિનેતા સાથે સ્ક્રીન શેર કરી હતી.

ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સીને આ એક્ટર્સ પર માહિતી મળ્યા પછી જાણવા મળ્યું હતું કે તેઓ પુણે નજીકના આઇસલેન્ડ પણ અનેક વખત પાર્ટી કરવા ગયા હતા, એમ NCBના સૂત્રએ જણાવ્યું હતું. NCBએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતનો અંગત કર્મચારી દીપેશ સાવંત અને અન્ય લોકોની ધરપકડ કરી છે, જેમાં ડ્રગ્સની ખરીદી અને હેરફેર કરવામાં આવતી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર ડ્રગ્સની ખરીદી માટે કેટલાય લોકોની વચ્ચે વોટ્સએપ ચેટ મળ્યા પછી કેસ નોંધવામાં આવ્યા છે.