નવી દિલ્હીઃ એક્ટ્રેસ મિનુ મુનીરની ફરિયાદ પછી મલયાલમ ફિલ્મોના મશહૂર એક્ટર અને કોલ્લમથી CPI (M) વિધાનસભ્ય મુકેશ એમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એક્ટ્રેસે પહેલાં ફેસબુક પોસ્ટ દ્વારા મુકેશ સહિત સાત લોકો પર ફિલ્મના સેટ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો, એ પછી કેરળ પોલીસને લેખિત ફરિયાદ આપી હતી.
કોલ્લમ ચૂંટણી વિસ્તારમાં CPI (M)ના વિધાનસભ્ય, અભિનેતા મુકેશની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. FIR એક એક્ટ્રેસની ફરિયાદને આધારે નોંધવામાં આવી છે. એ એક્ટ્રેસની ફરિયાદ પર એક્ટર જયસૂર્યાની વિરુદ્ધ કલમ 354 હેઠળ એક વધુ FIR નોંધવામાં આવી છે, જે શીલભંગ કરવાના ઇરાદાથી સંબંધિત છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT)એ ગઈ કાલે એક્ટ્રેસનું નિવેદન લીધું હતું.
મુનિરે એક્ટર મુકેશ એમ, જયસૂર્યા, મણિયનપિલા રાજુ અને ઇદાવેલા બાબુ પર ફિલ્મ પ્રોજેક્ટમાં સહયોગ દરમ્યાન મૌખિક અને શારીરિક દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો.
મુનિરે એક્ટર પર અનેક દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો, જેમાં હોટેલમાં આવાસ સંબંધિત અનુચિત સૂચન પણ સામેલ હતું. આ આરોપ ડિરેક્ટર રંજિત અને અભિનેતા સિદ્દીકી દ્વારા મલયાલમ મુવી આર્ટિસ્ટ એસોસિયેશન (AMMA)માં પોતાનાં પદોથી રાજીનામું આપ્યાના તરત બાદ સામે આવ્યા હતા, કેમ કે તેમની વિરુદ્ધ અલગ-અલગ આરોપ લગાવવામાં આવ્યા હતા.
મુનિરે આરોપ સૌથી પહેલાં તેમના ફેસબુક પેજ પર શેર કર્યા હતા, જ્યાં તેમણે 2013થી અત્યાર સુધી કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મુનિરે લખ્યું હતું કે હું મુકેશ, મનિયાનપિલ્લા રાજુ, ઇદાવેલા બાબુ, જયસૂર્યા, એડવોકેટ ચંદ્રશેખરન, પ્રોડક્શન કન્ટ્રોલર નોબલ અને વિચુના હાથોથી મારી સાથે શારીરિક અને મૌખિક દુર્વ્યવહારની ઘટનાઓની એક શૃંખલાના રિપોર્ટ કરવા માટે લખી રહી છે. મારી સાથે ગેરવર્તણૂકને કારણે મલયાલમ ફિલ્મ ઉદ્યોગ છોડવો પડ્યો હતો અને ચેન્નઈમાં શિફ્ટ થવું પડ્યું હતું.