મુંબઈઃ શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણ અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘પઠાણ’ના ‘બેશરમ રંગ’ ગીતને કારણે ઊભા થયેલા વિવાદ અંગે સેન્સર બોર્ડ (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન)એ આખરે પ્રત્યાઘાત આપ્યા છે. ‘ઈન્ડિયા ટુડે’ના અહેવાલ મુજબ, ‘પઠાણ’ના નિર્માતાઓએ ફિલ્મને રિલીઝ કરવા માટે સર્ટિફિકેટ આપવા માટે સેન્સર બોર્ડ સમક્ષ રજૂ કરી હતી.
ફિલ્મ જોયા બાદ સમિતિએ નિર્માતાઓને કહ્યું હતું કે તેમણે ગીતો સહિત સમગ્ર ફિલ્મમાં અનેક ફેરફારો કરવા પડશે. સમિતિના સભ્યોએ નિર્માતાઓને એમ પણ કહ્યું છે કે ફેરફારો કરાયા બાદ એમણે ફિલ્મને ફરી બોર્ડને બતાવવી અને તે મંજૂર કરાય એ પછી જ એને થિયેટરોમાં રિલીઝ કરવી. સીબીએફસીના અધ્યક્ષ પ્રસૂન જોશીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ‘પઠાણ’ ફિલ્મનું સેન્સર બોર્ડની માર્ગદર્શિકાઓ અનુસાર બારીકાઈથી અવલોકન કરવામાં આવ્યું હતું. સમિતિએ નિર્માતાઓને કહ્યું છે કે તેમણે ફિલ્મના ગીતો સહિત સમગ્ર ફિલ્મમાં કેટલાક ફેરફારો કરવા. સુધારિત આવૃત્તિને ફરી સમિતિ સમક્ષ રજૂ કરવી અને તે પછી જ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરવી.’
ઉલ્લેખનીય છે કે, ‘પઠાણ’ ફિલ્મના બે ગીત હાલ સોશ્યલ મીડિયામાં રિલીઝ કરવામાં આવ્યા છે. એમાંના ‘બેશરમ રંગ’ ગીતે મોટો વિવાદ સર્જ્યો છે. એ ગીતમાં દીપિકાએ પહેરેલી ભગવા રંગની બિકિની તેમજ એનાં અશ્લીલ ડાન્સ મૂવ્સને કારણે લોકો ખૂબ ભડકી ગયા છે. અને ‘પઠાણ’નો બહિષ્કાર કરવાની અસંખ્ય ઝુંબેશ સોશ્યલ મીડિયા પર શરૂ થઈ છે. ભગવા રંગની બિકિનીના ઉપયોગથી હિન્દૂધર્મીઓની લાગણીને ઠેસ પહોંચી છે તેથી આ ગીત પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. હવે આ ગીત વિશે સેન્સર બોર્ડે મોટો નિર્ણય લીધો છે. ‘બેશરમ રંગ’ ગીતમાં કેસરી રંગની બિકિની પહેરેલી દીપિકાવાળાં દ્રશ્યો પર કાપ મૂકાય એવી ધારણા છે.
કેસરી રંગને હિન્દૂધર્મીઓ આદરપૂર્વક જુએ છે. એવી માન્યતા છે કે કેસરી રંગે સમગ્ર ભારત દેશ અને દુનિયાને સાચી દિશા આપવાનું કામ કર્યું છે. ભારતના રાષ્ટ્રધ્વજમાં પણ કેસરી રંગને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ‘પઠાણ’ ફિલ્મના ગીતમાં એને ‘બેશરમ રંગ’ કહેવામાં આવ્યો છે.
‘પઠાણ’ ફિલ્મ આવતી 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ કરવાનું નિર્માતાઓએ નક્કી કર્યું છે. આ ફિલ્મ દ્વારા શાહરૂખ ખાન ચાર વર્ષ પછી હિન્દી રૂપેરી પડદા પર પુનરાગમન કરી રહ્યો છે. એમાં તે સીક્રેટ એજન્ટ (દેશ વતી સેવા બજાવનાર જાસૂસ)નો રોલ કરી રહ્યો છે.