નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચેરમેન તરીકે પરેશ રાવલની નિમણૂક

મુંબઈઃ પીઢ ચરિત્ર અભિનેતા પરેશ રાવલને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)ના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ સમાચાર આ પ્રતિષ્ઠિત સંસ્થાએ આજે તેના વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ પર જાહેર કર્યા છે.

આ સંસ્થાની સ્થાપના 1959માં કરવામાં આવી હતી. આ સંસ્થાએ ભારતીય સિનેમાને અનેક જાણીતા કલાકારો આપ્યા છે, જેમ કે, ઓમ પુરી, અનુપમ ખેર, આશુતોષ રાણા, આદિલ હુસેન, પંકજ ત્રિપાઠી વગેરે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે NSDના ચેરમેન તરીકે પરેશ રાવલને નિયુક્ત કર્યા છે.

NSD સંસ્થાએ એના ટ્વીટમાં લખ્યું છે કે પરેશ રાવલના માર્ગદર્શન હેઠળ સંસ્થા સફળતાની નવી ઊંચાઈ હાંસલ કરશે.

આ હોદ્દા પર પરેશ રાવલ જાણીતા રંગભૂમિ અદાકાર અર્જૂન દેવ ચરણના અનુગામી બન્યા છે.

અમદાવાદ (ઈસ્ટ) બેઠકના ભૂતપૂર્વ સંસદસભ્ય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જાણીતા સમર્થક પરેશ રાવલ ભારતીય જનતા પાર્ટી સાથે ઘણા વખતથી સંકળાયેલા છે. તેમણે પોતાની અભિનયની કારકિર્દી 80ના દાયકામાં શરૂ કરી હતી. એમણે વિવિધ પ્રકારની ભૂમિકાઓ બજાવી છે અને ઘણા એવોર્ડ પણ જીત્યા છે.

બોલીવૂડમાં તેઓ વિલન અને કોમેડી ભૂમિકાઓમાં વધારે જોવા મળ્યા છે.

રાવલને 2014માં ‘પદ્મશ્રી’ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. એમણે 1994માં ‘વોહ છોકરી’ અને ‘સર’ ફિલ્મોમાં કરેલા અભિનય બદલ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીત્યો હતો.

પરેશ રાવલના અભિનયવાળી જાણીતી ફિલ્મો છેઃ ‘નામ’, ‘શિવા’, ‘તમન્ના’, ‘ઐતરાઝ’, ‘ઓયે લકી! લકી ઓયે!’, ‘ઓ માય ગોડ’, ‘ટેબલ નંબર 21’.

કોમેડી ભૂમિકાઓ માટે એમની જે ફિલ્મો દર્શકોને પસંદ પડી છે એમના નામ છેઃ ‘અંદાઝ અપના અપના’, ‘ચાચી 420’, ‘હેરા ફેરી’, ‘આંખે’, ‘આવારા પાગલ દીવાના’, ‘હંગામા’, ‘હલચલ’, ‘ગરમ મસાલા’, ‘ભાગંભાગ’, ‘માલામાલ વીક્લી’, ‘વેલકમ’, ‘અતિથિ તુમ કબ જાઓગે’ વગેરે.