મુંબઈ: હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા આર્ટ ડાયરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઈનર નીતિન દેસાઈ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એમના સ્ટુડિયોમાં આજે સવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પ્રાથમિક દ્રષ્ટિએ આ કેસ આત્મહત્યાનો હોવાનું પોલીસનું અનુમાન છે. દેસાઈ મુંબઈથી આશરે ૫૦ કિ.મી. દૂર આવેલા કર્જતમાં આવેલા એમના એન.ડી. સ્ટુડિયોમાં લટકતી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
દેસાઈ ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘જોધા અકબર’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘1942: અ લવ સ્ટોરી’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘દેવદાસ’ જેવી હિન્દી ફિલ્મો તેમજ ઓસ્કર એવોર્ડ વિજેતા અંગ્રેજી ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’માં આર્ટ વર્ક અને ભવ્ય સેટ નિર્માણ માટે જાણીતા છે. આર્ટ ડાયરેક્ટર તરીકે એમની છેલ્લી ફિલ્મ હતી ‘પાનીપત’, જે ૨૦૧૯માં આવી હતી.
