આર્યનને જામીનનો ઈનકારઃ બોલીવુડમાં રોષની લાગણી

મુંબઈઃ અહીંની સ્પેશિયલ એનડીપીએસ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટન્સીસ એક્ટ, 1985) કોર્ટે આર્યન ખાન, આર્યનના મિત્ર અરબાઝ મરચંટ અને ફેશન મોડેલ મુનમુન ધામેચાની જામીન અરજીઓને આજે નકારી કાઢી છે. આમ, બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યનને હજી પણ આર્થર રોડસ્થિત મુંબઈ સેન્ટ્રલ જેલમાં જ રહેવું પડશે. આર્યન અને અરબાઝ હાલ આર્થર રોડ જેલમાં અદાલતી કસ્ટડીમાં છે. જ્યારે મુનમુનને ભાયખલા વિસ્તારની મહિલા જેલમાં રાખવામાં આવી છે.

લક્ઝરી જહાજ પરની રેવ પાર્ટી વખતે ડ્રગ્સ મળી આવતાં પકડાયેલા આ ત્રણેય આરોપીની જામીન અરજીઓ પર બંને પક્ષની દલીલબાજી ગયા અઠવાડિયે પૂરી થઈ હતી અને સ્પેશિયલ જજ વી.વી. પાટીલે એમનો ચુકાદો 20 ઓક્ટોબર પર મુલતવી રાખ્યો હતો. આજે જજે આર્યનને જામીન આપવાનો ઈનકાર કરી દીધો. આર્યન તથા અન્ય આરોપીઓની જામીન અરજી આ પહેલાં મુંબઈના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે પણ ફગાવી હતી અને આર્યનને જામીન માટે સ્પેશિયલ કોર્ટ ઓફ સેશન્સમાં જવા કહ્યું હતું.

આર્યન ખાનના વકીલો – અમિત દેસાઈ અને સતિષ માનશિંદે હવે આ ચુકાદાને મુંબઈ હાઈકોર્ટમાં પડકારવાના છે. ફરિયાદી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) વતી હાજર થયેલા એડિશનલ સોલિસીટર જનરલ અનિલ સિંઘે કોર્ટને જણાવ્યું હતું કે આર્યન ખાન ડ્રગ્સ લેતો હતો એટલું જ નહીં, બીજાઓને વહેંચતો-વેચતો પણ હતો. આર્યનની જામીન અરજી આ પહેલાં પણ અદાલતે ફગાવી હતી. એટલે આર્યને સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી હતી.

એનસીબીનું કહેવું છે કે આર્યનના ફોનમાંથી એવા વોટ્સએપ ચેટ્સ મળ્યા છે જે બોલીવુડની એક નવોદિત અભિનેત્રી અને આર્યન વચ્ચેના છે. એનસીબીના વકીલે તે ચેટ્સ કોર્ટમાં રજૂ કર્યા હતા.

આર્યનની ગઈ 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. ગોવા જતું એક લક્ઝરી જહાજ મુંબઈના કાંઠે હતું ત્યારે ત્યાં પાર્ટી ચાલતી હતી. તેની પર એનસીબીના અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. ત્યારે આર્યન તથા અન્ય કેટલાકની પાસેથી ડ્રગ્સ મળી આવી હતી. તેમની સામે એનડીપીએસ કાયદાની કલમો 8(c), 20(b), 27, 28, 29 and 35 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

બોલીવુડમાં રોષ

દરમિયાન, હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં રોષની લાગણી ફરી વળી છે. અમુક હસ્તીઓએ સોશિયલ મિડિયાના માધ્યમથી કોર્ટના ચુકાદા પ્રત્યે પોતપોતાની નારાજગી અને ગુસ્સો પ્રદર્શિત કર્યો છે. આમાં દિગ્દર્શક હંસલ મહેતા, અભિનેત્રી આયશા શર્મા, દિગ્દર્શક રાહુલ ધોળકીયાનો સમાવેશ થાય છે. રાહુલ ધોળકીયાએ ચુકાદાને ‘અપમાનજનક’ ગણાવ્યો છે તો હંસલ મહેતાએ ‘હાસ્યાસ્પદ મજાક’ તરીકે ઓળખાવ્યો છે. આયશા શર્માએ લખ્યું છે, ‘ખંડિત ન્યાયતંત્ર.’ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ચુકાદાને ‘અવાસ્તવિક’ કહ્યો છે. તો એક્ટર અને ટ્રેડ એનાલિસ્ટ કમાલ આર. ખાને ટ્વીટમાં લખ્યું છે, ‘આ તો સ્પષ્ટપણે સતામણી છે.’