ગર્ભાવસ્થા દિવસોનો આનંદ માણી રહી છે ફ્રીડા પિન્ટો

લોસ એન્જેલીસઃ 2008માં ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મની અભિનેત્રી ફ્રીડા પિન્ટો પહેલી જ વાર ગર્ભવતી થઈ છે. ફ્રીડા લોસ એન્જેલીસમાં રહેતા તેના ફિયાન્સ અને એડવેન્ચર ફોટોગ્રાફર કોરી ટ્રાન સાથે પોતાનાં પ્રથમ બાળકના જન્મની અપેક્ષા રાખે છે. 37 વર્ષની થયેલી ફ્રીડાએ 18 ઓક્ટોબર, સોમવારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને ઈન્સ્ટાગ્રામ પર પોતાનાં ફૂલેલા પેટવાળી તસવીરો શેર કરી હતી. ફોટોશૂટ તસવીરોમાં ફ્રીડા સફેદ રંગની મોનોકિનીમાં સજ્જ થઈ છે અને સ્પ્રિંગ પૂલમાં પાણીમાં આરામ કરતાં પોઝ આપ્યાં છે. તેની સાથેની કેપ્શનમાં એણે લખ્યું છે: ‘વાહ, આ વર્ષ કેટલું સરસ રહ્યું. હું મારાં જીવનના આ નવા તબક્કામાં પ્રવેશ માટે આતુર છું. મારું દિલ આ નવા જીવન માટે પ્રેમ અને આશા સાથે ધડકી રહ્યું છે.’

ફ્રેડરિક પિન્ટો અને સિલ્વિયા પિન્ટોની પુત્રી ફ્રીડા તથા કોરી ટ્રાને 2019ના નવેમ્બરમાં સગાઈ કરી હતી. મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી ફ્રીડા અનેક અમેરિકન અને બ્રિટિશ ફિલ્મોમાં ચમકી છે. તેની અમેરિકન સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘ઈન્ટ્રુઝન’ ગયા મહિને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે ગઈ 15 ઓક્ટોબરે તેની સાયન્સ ફિક્શન ફિલ્મ ‘નીડલ ઈન અ ટાઈમ્સ્ટેક’ અમેરિકામાં ડિજિટલ પ્લેટફોર્મ પર, વિડિયો ઓન ડીમાન્ડ પર તથા મર્યાદિત થિયેટરોમાં રિલીઝ કરાઈ છે.

(તસવીર સૌજન્યઃ ફ્રીડા પિન્ટો ઈન્સ્ટાગ્રામ)