મુંબઈઃ હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી સાયરા બાનુની તબિયત બગડતાં એમને ખાર ઉપનગરની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. સ્વ. અભિનેતા દિલીપકુમારના પત્નીને ત્રણ દિવસ પહેલાં બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો ઊભી થઈ હતી. એમને હાલ હોસ્પિટલના આઈસીયૂમાં રાખવામાં આવ્યાં છે. સાયરા બાનુએ ગઈ 7 જુલાઈએ જ એમનાં વયોવૃદ્ધ પતિને ગુમાવ્યાં હતાં. દિલીપકુમારનું અવસાન થતાં દંપતીના 54 વર્ષનાં લગ્નજીવનનો અંત આવ્યો હતો.
હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યા મુજબ, સાયરા બાનુની તબિયત સ્થિર છે, પરંતુ બ્લડ પ્રેશર નોર્મલ થતું નથી. ઓક્સિજન લેવલ નીચું જ રહે છે. એને કારણે એમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ડોક્ટરો તમામ જરૂરી ટેસ્ટ કરાવી રહ્યાં છે. તે પછી જ એમને સ્વાસ્થ્યની ખરી તકલીફની જાણકારી મળશે.
