હોસ્પિટલમાં દાખલ સાયરા બાનુની એન્જિયોગ્રાફી કરાશે

મુંબઈઃ  બોલીવૂડની મશહૂર અભિનેત્રી સાયરા બાનુ છેલ્લા ચાર દિવસથી શ્વાસમાં તકલીફ અને બ્લાડપ્રેશર અને સુગર લેવલ વધવાને કારણે મુંબઈની ખારસ્થિત હિન્દુજા હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 77 વર્ષીય સાયરા બાનુને હાર્ટના લેફ્ટ વેન્ટિક્યુલરમાં અવરોધ પેદા થયો છે, જેથી ડોક્ટરોએ તેમની એન્જિયોગ્રાફી કરવાનો નિર્ણય લીધો છે, એમ ડો. નીતિન ગોખલેએ કહ્યું હતું.

તેઓ હાલ સ્વસ્થ છે અને તેમની હાલત સ્થિર છે તેમ જ તેમને આજે રાત્રે ICUમાંથી બહાર લાવવામાં આવશે. અમે પહેલાં તેમના ડાયાબિટીઝને અંકુશમાં લેવા પ્રયાસ કરી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું. જોકે તેમની એન્જિયોગ્રાફી કરવા માટે અમને કોઈ જલદી નથી. એ બાબતે અમે ચાર-પાંચ દિવસોમાં એ વિશેનો નિર્ણય કરીશું.

સાયરા બાનુના પરિવારના મિત્રોએ જણાવ્યું હતું કે તેમને દિલીપકુમારના મોતથી આઘાત લાગ્યો છે અને ત્યારથી તેમની તબિયત ઠીક નથી. દિલ્પકુમારનું આ વર્ષના પ્રારંભે મોત થયું હતું. સાયરાએ દિલીપકુમાર સાથે 22 વર્ષની વયે લગ્યન કર્યાં હતાં. તેમના પરિવારના મિત્ર ફૈસલ ફારુકીએ કહ્યું હતું કે દિલીપકુમારના નિધન પછી તેમને બહુ તણાવનો સામનો કરવો પડ્યો હતો. તે હાલ ICUમાં છે, પણ તેમની હાલત સ્થિર છે. તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે અને તેમનાં થોડાં ટેસ્ટ બાકી છે. તેમની સારવાર કરી રહેલા ડોક્ટર ડો. શ્રીકાંત ગોખલેના પુત્ર છે, જેમણે દિલીપકુમારની સારવાર કરી હતી, જેઓ તેમના ફેમિલી ડોક્ટર હતા. આપણે સાયરા બાનુની સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ.