પરિવારજનો કહે છે, ‘સિદ્ધાર્થ જરાય માનસિક-તણાવમાં નહોતો’

મુંબઈઃ જાણીતા ટીવી સિરિયલ તથા ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (40)ના હૃદયરોગના હુમલાને કારણે આજે થયેલા નિધનથી મનોરંજન જગતમાં સન્નાટો વ્યાપી ગયો છે. સલમાન ખાન સંચાલિત રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ 13‘ના વિજેતા સિદ્ધાર્થનું આજે અહીં વિલે પારલે (વેસ્ટ) ઉપનગરની કૂપર હોસ્પિટલમાં નિધન થયું હતું.

સિદ્ધાર્થના પરિવારમાં એના માતા અને બે બહેન છે. અહેવાલો અનુસાર, સિદ્ધાર્થને એના પરિવારજનો હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યારે એને તપાસીને ડોક્ટરોએ એને મૃત લાવેલો જાહેર કર્યો હતો. ડોક્ટરોએ પરિવારજનોને કહ્યું કે સિદ્ધાર્થનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. પરિવારજનોનું કહેવું છે કે સિદ્ધાર્થ ક્યારેય કોઈ પ્રકારના માનસિક તણાવમાં નહોતો અને એના મૃત્યુમાં કોઈ મેલી રમત રમાઈ હોવાની પણ એમને શંકા નથી. સિદ્ધાર્થના પરિવારજનોએ અપીલ કરી છે કે તેઓ સિદ્ધાર્થના મૃત્યુ અંગે કોઈ પ્રકારની અફવા ન ફેલાવે.

સિદ્ધાર્થનું મૃત્યુ શંકાસ્પદ બન્યું છે. કહેવાય છે કે તેણે ગઈ કાલે રાત્રે સૂતા પહેલાં કોઈક દવાઓ લીધી હતી. એ દવાઓ જ આ ટેલેન્ટેડ એક્ટરને ભરખી ગઈ હોવાનું મનાય છે. સિદ્ધાર્થ છેલ્લાં કેટલાંક સમયથી અમુક દવાઓ લેતો હતો અને તેને કારણે તેનું વજન વધી ગયું હતું.

સિદ્ધાર્થે તેની અભિનય કારકિર્દીની શરૂઆત ‘બાબુલ કા આંગન છૂટે ના’ ટીવી સિરિયલથી કરી હતી. ત્યારબાદ એણે ‘જાને પેહચાને સે… યે અજનબી’, ‘લવ યૂ ઝિંદગી’, ‘દિલ સે દિલ તક’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.

સિદ્ધાર્થ છેલ્લે રિયાલિટી શૉ ‘બિગ બોસ OTT’માં જોવા મળ્યો હતો. એ અન્ય ટીવી રિયાલિટી શૉ ‘ડાન્સ દીવાને 3’માં શેહનાઝ ગિલ સાથે ચમક્યો હતો. એ ટીવી સિરિયલ ‘બાલિકા વધુ’થી વધારે જાણીતો થયો હતો. મોટા પડદા પર એ 2014માં આવેલી ફિલ્મ વરુણ ધવન અને આલિયા ભટ્ટની ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં ચમક્યો હતો. 2018માં દિલજીત દોસાંજની ફિલ્મ ‘સૂરમા’માં પણ એણે અભિનય કર્યો હતો.

સિદ્ધાર્થે ડિજિટલ માધ્યમ પર હાલમાં જ ડેબ્યૂ કર્યું હતું. વેબ સિરીઝ ‘Broken But Beautiful 3’માં એ ચમક્યો હતો જેમાં એની હિરોઈન બની છે સોનિયા રાઠી.

કહેવાય છે કે સિદ્ધાર્થ શુકલા કરોડોની સંપત્તિનો માલિક હતો. 2020 સુધીમાં સિદ્ધાર્થ પાસે કુલ સંપત્તિ લગભગ 11.25 કરોડ રૂપિયાની આસપાસ હતી.

સિદ્ધાર્થ સોશિયલ મિડિયા ઉપર પણ સક્રિય હતો. ટ્વિટર પર એની આખરી પોસ્ટ, જે હાર્ટબીટવાળી હતી તે ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. આ પોસ્ટ તેણે માત્ર ત્રણ દિવસ પહેલાં જ શૅર કરી હતી. એ પોસ્ટમાં તેણે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં વિજેતા બનેલા ભારતીય એથ્લીટ્સને શુભેચ્છા આપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]