ક્યારેય આમિરની મદદ માગી નથીઃ ફૈઝલ ખાન

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાનના અભિનેતા-દિગ્દર્શક ભાઈ ફૈઝલ ખાને કહ્યું છે કે પોતે એના જીવનમાં આટલા વર્ષોમાં સંઘર્ષ કરતો રહ્યો છે, પણ ક્યારેય આમિર પાસેથી મદદ માગી નથી. લગભગ એક દાયક સુધી જિંદગીની ઝાકઝમાળથી દૂર રહ્યા બાદ ફૈઝલ ફરી અભિનય ક્ષેત્રે દેખા દેવાનો છે. અભિનેતા અને દિગ્દર્શક તરીકેની તેની ફિલ્મનું નામ છે ‘ફેક્ટરી’. આ ફિલ્મ 3 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે. એમાં ફૈઝલ ઉપરાંત રોલી રાયન, રાજકુમાર કનોજિયા, રિભુ મેહરા જેવા અન્ય કલાકારો છે. દિગ્દર્શક તરીકે ફૈઝલની આ પહેલી જ ફિલ્મ છે.

‘હું જિંદગીમાં મારી રીતે જ આગળ વધવા માગતો હતો. કારણ કે મને સફળતા કે નિષ્ફળતા, જે કંઈ પણ મળે એ મારું જ છે. એ મારો ભાઈ છે, એને માટે મારી શુભેચ્છા છે, પરંતુ મેં જિંદગીમાં જે સંઘર્ષ કર્યો છે એ મારી સફરનો એક ભાગ છે. એ મારી જિંદગી છે. મેં ક્યારેય મારી કારકિર્દી બનાવવા માટે આમિર પાસે મદદ માગી નથી,’ એમ ફૈઝલે એક મુલાકાતમાં કહ્યું છે. ફૈઝલ આ પહેલાં ‘જો જીતા વહી સિકંદર’, ‘મેલા’, ‘મદહોશ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.