દેશનો GDP ગ્રોથ જૂન ત્રિમાસિકમાં 20.1 ટકા

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના જૂન ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP ગ્રોથ 20.1 ટકા નોંધાયો છે. સરકારી આંકડા મુજબ એ કોઈ પણ નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળોનો સૌથી શ્રેષ્ઠ ગ્રોથ છે, જ્યારે નાણાં વર્ષ 2021ના જૂન ત્રિમાસિકમાં GDP ગ્રોથ (-) 24.4 ટકા હતો. જે માર્ચ, 2021 ત્રિમાસિકમાં GDPનો ગ્રોથ 1.6 ટકા હતો. 1990થી અત્યાર સુધીનો કોઈ પણ ત્રિમાસિકમાં થયેલો સૌથી મોટો ગ્રોથ છે. 1990થી પહેલાંના આંકડા ઉપલબ્ધ નથી.

જોકે એપ્રિલ-જૂન, 2021ના આંકડા રિઝર્વ બેન્કના અંદાજથી ઓછા છે. રિઝર્વ બેન્કે GDPમાં 21.4 ટકાનો ગ્રોથ હોવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. ગયા વર્ષે પહેલા ત્રિમાસિકમાં કોરોનાની પહેલી લહેર અને દેશભરમાં લોકડાઉનને કારણે GDP ગ્રોથ ઘટીને (-) 24.4 ટકા રહ્યો હતો.

નેશનલ સ્ટેસ્ટિકલ ઓફિસે 31 ઓગસ્ટે ડેટા જારી કર્યા હતા. જે મુજબ રિયલ ગ્રોસ વેલ્યુ પહેલા ત્રિમાસિકમાં 18.8 ટકા વધ્યો હતો. વાર્ષિક ધોરણે એ ઝડપને લીધે ટ્રેડ, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન્સ સર્વિસિસમાં 68.3 ટકાનો ગ્રોથ છે. ગયા વર્ષે જૂન ત્રિમાસિકમાં આ ક્ષેત્રોમાં મોટો ઘટાડો નોંધાયો હતો.   દેશમાં જૂન ત્રિમાસિકનો GDP ગ્રોથ પ્રોત્સાહક આવતાં બીએસઈ સેન્સેક્સે 57,000ની સપાટી કુદાવીને 57,550ને પાર થયો હતો. સેન્સેક્સ 662 પોઈન્ટ ઊછળી 57,552.39 બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટીએ 17,000ની સપાટી વટાવી હતી. નિફ્ટી 201.15 પોઇન્ટ ઊછળીને 17,132એ બંધ આવ્યો હતો.