બિહારમાં મતદાનઃ 3.7 કરોડ મતદાતાઓ પસંદ કરશે નવી સરકાર

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં આવતી કાલે એટલે કે 11 નવેમ્બરે રાજ્યમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થશે, જે પછી 243 સભ્યોની વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. પ્રથમ તબક્કામાં થયેલા 65 ટકાના ભારે મતદાન બાદ, હવે બીજા તબક્કામાં પણ બંપર ટર્નઆઉટની આશા છે. બીજા તબક્કામાં 20 જિલ્લાઓની 122 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. તમામ બેઠકોની મતગણતરી 14 નવેમ્બરે યોજાશે.

રાજ્યમાં બીજા તબક્કામાં જે 20 જિલ્લાઓમાં મતદાન થશે તેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, સીતામઢી, શિવહર, મધુબની, સુપૌલ, અરેરિયા, કિશનગંજ, પૂર્ણિયા, કટિહાર, ભાગલપુર, બાંકા, જામુઈ, નવાડા, ગયા, ઔરંગાબાદ, જહાનાબાદ, અરવલ, કેમૂર અને રોહિતાસનો સમાવેશ થાય છે.આ તબક્કો બિહાર વિધાનસભાની 122 બેઠકોના ભવિષ્યનો નિર્ણય કરશે, જેમાં રાજ્યના અનેક મહત્વપૂર્ણ વિસ્તારો પણ સામેલ છે.

  • કુલ 122 બેઠકોમાંથી 101 સામાન્ય બેઠકો છે, 19 અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે અને બે અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે.
  • આ તબક્કામાં અંદાજે 3.7 કરોડ મતદાતાઓ મતદાન માટે પાત્ર છે, જેમાં લગભગ 1.95 કરોડ પુરુષ અને 1.74 કરોડ મહિલા મતદાતાઓનો સમાવેશ થાય છે.
  • કુલ 1302 ઉમેદવારો મેદાનમાં છે, તેમાં 136 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
  • મતદાતાઓની સુવિધા અને મતદાન પ્રક્રિયાને સુવ્યવસ્થિત રાખવા માટે 20 જિલ્લાઓમાં 45,399થી વધુ મતદાન કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે.

સુરક્ષાની કડક વ્યવસ્થા

ચૂંટણી પંચે નિષ્પક્ષ અને શાંતિવાળી મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે અનેક સુરક્ષા અને ટેક્નિકલ પગલાં લીધાં છે:

ઓળખ પુરાવો : મતદાતા પોતાની ઓળખ માટે 12 માન્ય ફોટો દસ્તાવેજોમાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકે છે, જેમ કે EPIC મતદાર કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ વગેરે.

સ્માર્ટફોન ઉપર પ્રતિબંધ : કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા માટે મતદાન કેન્દ્રના રૂમોમાં મતદાતાઓએ પોતાના સ્માર્ટફોન બહાર જમા કરવા પડશે.