ઓફિસમાં તોડફોડઃ કંગનાએ BMC પાસે વળતરપેટે માગ્યા રૂ.2 કરોડ

મુંબઈઃ બોલિવુડ એક્ટ્રેસ કંગના રણોતે પોતાના નિવાસસ્થાનમાં ‘ગેરકાયદેસર’ રીતે તોડફોડ કરવામાં આવી હોવાનું જણાવીને બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) પાસેથી વળતરપેટે બે કરોડ રૂપિયા આપવાની માગણી કરી છે અને એ માટે એણે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા ગઈ નવ સપ્ટેમ્બરે બાંદરા સ્થિત પાલી હિલ વિસ્તારમાં ‘ક્વીન’ના બંગલામાં કથિતપણે ગેરકાયદે રીતે કરવામાં આવેલા રીનોવેશનને ધ્વસ્ત કરવામાં આવ્યા પછી કંગનાએ મુંબઈ હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં.

જસ્ટિસ એસ. જે. કાથાવાલાની અધ્યક્ષતામાં ખંડપીઠે એ કહેતાં બંગલાની તોડફોડની કામગીરી પર રોક લગાવી હતી કે એ મેલાફાઇડ (ખરાબ) હેતુથી કરવામાં આવી હતી. કંગનાએ સુધારેલી અરજીમાં આરોપ લગાવ્યો છે કે BMC દ્વારા તેની સંપત્તિને તોડી પાડવામાં આવી એ મહારાષ્ટ્ર સરકારની સામે તેની ટિપ્પણીઓનું સીધું પરિણામ હતું. તે મહારાષ્ટ્ર સરકારની સાથે કેટલાક મુદ્દે જે વાદવિવાદ થયો, જે સામાન્ય જનતા પર અસર પડી હતી, જેના સંબંધમાં તેના બંગલામાં તોડફોડ કરવામાં આવી હતી, એમ તેણે ક્હ્યું હતું.

રણોતની સુધારેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેના દ્વારા કરવામાં આવેલી અભિવ્યક્તિએ કેટલાક લોકોને નારાજ કરી દીધા હતા, ખાસ કરીને એક રાજકીય પક્ષ કે જે મહારાષ્ટ્રમાં સરકારનો હિસ્સો છે- એ પાર્ટી નારાજ થઈ હતી, જેથી તેના બંગલામાં દ્વેષપૂર્ણ ભાવનાથી કામ કરવામાં આવ્યું હતું.  BMCમાં પણ એ જ સત્તાધારી પાર્ટી છે, એમ અરજીમાં શિવસેનાનું નામ લીધા વગર કહેવામાં આવ્યું હતું.

આ અરજીમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે બોલિવુડ એક્ટ્રેસે બંગલામાં માળખાકીય સમારકામ માટે BMCથી મંજૂરી માગી હતી, જેને 2018માં મંજૂરી આપવામાં આવી હતી, એમ તેણે કહ્યું હતું. BMCએ સાત સપ્ટેમ્બરે તેને ડિમોલિશન નોટિસ મોકલી અને જવાબ આપવા માટે તેને 24 કલાકનો સમય જ આપ્યો હતો.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેણે જવાબ સમયસર આપ્યો હતો, પણ એનો અસ્વીકાર કરતાં બીજા દિવસે BMC અને પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરવા માટે પહેલેથી જ બંગલાની બહાર હાજર હતા. દિવસના ફોટોથી માલૂમ પડે છે કે BMC સવારથી જ બંગલામાં તોડફોડ માટે ડિમોલિશન ઈક્વિપમેન્ટ સાથે તૈયાર હતી, જે સાબિત કરે છે કે સિવિક સંસ્થાનો બદઇરાદો હતો અને એનો આશય બંગલામાં ગેરકાયદે રીતે તોડફોડ કરવાનો હતો, એવો અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો.

આ અરજીમાં કોર્ટને BMCની કાર્યવાહીને ગેરકાયદે જાહેર કરવા અને સિવિક સંસ્થા અને એના સંબંધિત અધિકારીઓ પાસેથી એના નુકસાન પેટે બે કરોડ રૂપિયાના વળતર આપવાનો નિર્દેશ આપવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે.

કોર્ટ આ મામલાની સુનાવણી 22 સપ્ટેમ્બરે કરશે. રણોતના બંગલાની તોડફોડ પછી શિવસેનાએ જાહેર નિવેદન કર્યું હતું, જેમાં સેનાએ એના (રણોતના) નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો કે મુંબઈની તુલના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)થી કરવામાં આવ્યો હતો.