લોકડાઉનમાં સમયનો સદુપયોગઃ મલાઈકા ઓનલાઈન યોગ શીખે છે

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા, રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા ધનુષ, હોલીવૂડ અભિનેત્રી જેનિફર લોપેઝ અને એલેક્સ રોડ્રિગ્ઝ અને માર્ક મેસ્ટ્રોવ (જેને ફિટનેસ ક્ષેત્રના સ્ટીવ જોબ્સ કહેવામાં આવે છે) જેવી હસ્તીઓ લાઈવ યોગ સત્રના માધ્યમથી 14-દિવસના ઈમ્યુનિટી બિલ્ડર પ્રોગ્રામ સાથે સામેલ થઈ છે.

યોગ અને વેલનેસ સ્ટુડિયો ચેન ‘સર્વ’ (SARVA) દ્વારા શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમનો હેતુ એવા લોકોને વર્કઆઉટ ઉપલબ્ધ કરાવવાનો છે જેઓ કોરોના વાઈરસ રોગચાળાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં ફસાઈ ગયા છે, તેમજ આ માધ્યમ દ્વારા તેઓ તંદુરસ્ત રહી શકે.

બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ભૂતપૂર્વ ભાભી મલાઈકા અરોરા ‘સર્વ એન્ડ ડિવા યોગા’ સંસ્થાનાં સહ-સ્થાપક છે. સર્વ ભારતની યોગા અને વેલનેસ સ્ટાર્ટ-અપ કંપની છે. એમાં જેનિફર લોપેઝ, બેઝબોલ સ્ટાર એલેક્સ રોડ્રિગ્ઝ અને મલાઈકા અરોરાએ મૂડીરોકાણ કર્યું છે.

‘સર્વ’નું લાઈવ પ્લેટફોર્મ 25 દેશોમાં એક મહિના સુધીમાં 7.5 હજાર લાઈવ સત્ર પ્રસ્તુત કરશે. એને ‘સર્વ’ અને ‘ડીવા’ (DIVA)ના 50 પ્રશિક્ષકો દ્વારા આયોજિત કરવામાં આવે છે.

હોલીવૂડ અભિનેત્રી, ગાયિકા, ડાન્સર અને સર્વમાં મૂડીરોકાણ કરનાર જેનિફર લોપેઝે કહ્યું છે કે, ‘મને એ વાતની ખુશી છે કે સુખાકારી અને યોગવિદ્યાની મુખ્ય બ્રાન્ડ ‘સર્વ’ વર્તમાન પરિસ્થિતિમાં તમામ દર્શકો માટે યોગને સરળ બનાવી રહી છે. મને આશા છે કે આ કંઈક એવું છે જે દુનિયાભરના લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. વેલનેસ અને યોગાની અગ્રગણ્ય બ્રાન્ડ ‘સર્વ’ યોગાના જન્મસ્થાનના દેશની છે એ વાતની પણ મને ખુશી છે. પ્રામાણિકતા અને આધુનિકતાનો સમન્વય કરવાના દ્રષ્ટિકોણને લીધે યોગવિદ્યા તમામ વય, તમામ ભાષાનાં લોકો સુધી પહોંચે છે.’

મલાઈકા અરોરાએ કહ્યું કે, ‘આ એવો સમય છે જેમાં આપણે સૌ એક મોટા પરંતુ સમાન કારણ વડે એકબીજા સાથે સંકળાયેલા છીએ. આ છે મહામારી અને ભવિષ્યને ધ્યાનમાં લઈને આવી મહામારીનો સામનો કરવા માટે આપણે આપણા સ્વાસ્થ્યને વધારે સારું રાખવું પડશે. મને એ વાતનો આનંદ છે કે આજકાલ દરેક જણ યોગવિદ્યા શીખવા તરફ વળી રહ્યા છે.’

‘સર્વ એન્ડ ડિવા યોગા’નું પાવર નેટવર્ક દુનિયાભરમાં પ્રસરેલું છે. એની ડિજિટલ પહોંચ 20 કરોડની છે. દુનિયાના વિવિધ દેશોનાં લોકોને યોગવિદ્યાથી જોડવા અને સંકલિત લાભો પ્રાપ્ત કરાવવાના ઉદ્દેશ્ય સાથે આ બ્રાન્ડની સ્થાપના કરવામાં આવી છે.

આ સંસ્થા લાઈવ ડોટ સર્વ ડોટ કોમ પર લાઈવ યોગ વર્ગ ચલાવે છે.