પ્રિયંકા ચોપરાએ PM મોદીનો આભાર માન્યો; કહ્યું, ‘બધા સાથે રહીશું તો વધારે મજબૂત બનીશું’

ન્યૂયોર્કઃ પોતાનાં સાથી ફિલ્મી સિતારાઓ તથા મિત્રોની જેમ બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસ અને એના પતિ નિક જોનસે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રચેલા પીએમ-કેર્સ ફંડમાં દાન આપ્યું છે. આ ભંડોળ ભારતમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ઘોષિત કરાયેલા લોકડાઉનને કારણે મુસીબતમાં મૂકાઈ ગયેલા ગરીબ અને બેસહારા લોકોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે રચવામાં આવ્યું છે.

પ્રિયંકા અને નિકે પીએમ-કેર્સ ફંડમાં દાન આપ્યા બાદ વડા પ્રધાન મોદીએ પ્રિયંકાનો આભાર માન્યો છે. મોદીએ એમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પ્રિયંકાનો આભાર માનતાં લખ્યું છે કે, વ્યક્તિઓ હોય કે સંસ્થાઓ હોય, મહેનતુ વ્યાવસાયિકો હોય કે સુપ્રસિદ્ધ હસ્તીઓ, દરેક જણ ભારતના ભવિષ્યને વધારે સ્વસ્થ બનાવવા માટે સાથે મળી રહ્યાં છે. થેંક્યૂ પ્રિયંકાચોપરા.

પ્રિયંકાએ મોદીના ટ્વીટનો તરત જ જવાબ આપ્યો હતો અને લખ્યું કે, આભાર શ્રી નરેન્દ્ર મોદી. આપણે સાથે રહીશું તો મજબૂત બની શકીશું. આ ઉમદા કાર્ય માટે યોગદાન આપનાર અને મદદ કરનાર દરેક જણનો આભાર.

પ્રિયંકા અને એનો પતિ નિક સાથે મળીને ઘણી ચેરિટી મદદ કરે છે. પ્રિયંકાએ જાહેર કર્યું છે કે પોતે ચાર જરૂરિયાતમંદ મહિલાઓને 1 લાખ ડોલરની રકમનું દાન કરશે. આ ચાર મહિલા દુનિયાના બદલાયેલા સત્ય દરમિયાન સમાજના ઉત્કર્ષ માટે કામ કરશે.

પ્રિયંકા અને નિક જોનસ કોરોના વાઈરસના સંકટ સમયે અનેક સંસ્થાઓને દાન આપી રહ્યાં છે, જેમ કે યુનિસેફ, ફીડિંગ અમેરિકા, ગૂંજ, ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ, ગિવઈન્ડિયા વગેરે.

બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે પીએમ-કેર્સ ફંડમાં 25 કરોડ રૂપિયાની માતબર રકમનું દાન કર્યું છે.

માધુરી દીક્ષિત-નેને, સલમાન ખાને પણ પીએમ-કેર્સ ફંડ અને મહારાષ્ટ્ર સીએમ રાહત ફંડમાં રકમ દાનમાં આપી છે.

તો ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે 11 કરોડ રૂપિયા, અભિનેતાઓ રણદીપ હુડા અને કાર્તિક આર્યને એક-એક કરોડ રૂપિયા પીએમ-કેર્સ ફંડમાં આપ્યા છે.