મની લોન્ડરિંગ કેસઃ જેક્લીનને 50 સવાલો પૂછાશે

મુંબઈઃ કરોડપતિ અને ચાલાક ઠગ સુકેશ ચંદ્રશેકર સામે નોંધવામાં આવેલા મની લોન્ડરિંગના કેસના સંબંધમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસને હાજર થવાનું સમન્સ મોકલ્યું છે. 8 ડિસેમ્બરના બુધવારે દિલ્હીની ઓફિસમાં હાજર થવાનું જેક્લીનને ફરમાન છે. તપાસનીશ અધિકારીઓ એને 50 સવાલો પૂછવા માગે છે. સુકેશ ચંદ્રશેખરને સંડોવતો કેસ રૂ. 200 કરોડની ખંડણીને લગતો છે. જેક્લીનની પૂછપરછ પાંચેક કલાક લાંબી ચાલે એવી શક્યતા છે. તપાસનીશ એજન્સીએ આ કેસમાં જેક્લીનને આ બીજી વાર પૂછપરછ માટે હાજર થવાનું ફરમાન કર્યું છે. ઈડી એજન્સીને એવી શંકા હતી કે મૂળ શ્રીલંકાની નાગરિક જેક્લીન કદાચ ભારતમાંથી ભાગી જશે. તેથી એમણે સંબંધિત સત્તાવાળાઓને સતર્ક કર્યા હતા અને જેક્લીન સામે LOC (લૂક આઉટ સર્ક્યૂલર) ઈસ્યૂ કરવામાં આવ્યો હતો.

ગયા રવિવારની સાંજે જેક્લીન મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી અને દિલ્હીની ફ્લાઈટ પકડવાની તૈયારીમાં હતી ત્યાં જ એને અધિકારીઓએ અટકાવી હતી અને ઘેર પાછાં ફરવા તેને જણાવાયું હતું. સુકેશ ચંદ્રશેખર સામેના કેસમાં જેક્લીનને એક સાક્ષી તરીકે ગણવામાં આવી છે. તપાસનીશોએ નોંધાવેલા આરોપનામાને માન્ય કર્યા બાદ સ્થાનિક કોર્ટે તપાસનીશ એજન્સીને આદેશ આપ્યો હતો કે તે તમામ આરોપીઓને ચાર્જશીટની કોપી મોકલે.