આંધ્ર પ્રદેશમાં ગુટખા પર એક વર્ષનો પ્રતિબંધ

વિજયવાડાઃ રાજ્ય સરકારે સોમવારે ગુટખા તથા પાન-મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને એના ટ્રાન્સપોર્ટેશન તથા એના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેમાં તમાકુ અને નિકોટિન તેમ જ અન્ય ચાવવાવાળાં તમાકુનાં ઉત્પાદનો સામેલ છે.

રાજ્યમાં ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ, 2006ની કલમ 30 (2) (A)ની જોગવાઈઓને લાગુ કરતા આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ આદેશ ફૂડ સેફ્ટી ડિરેક્ટોરેટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રિવેન્ટિવ મેડિસિન, પબ્લિક હેલ્થ લેબોરેટરીઝ અને ફૂડ (હેલ્થ)ના કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યો હતો. રાજ્યમાં તમાકુ પરનો પ્રતિબંધ સાત ડિસેમ્બરથી એક વર્ષ માટે લાગુ કરવામાં આવ્યો છે, એમ વહીવટી તંત્રએ જણાવ્યું હતું.

હૈદરાબાદમાં ગેરકાયદે ડ્રગ્સ અને ગુટકાના સેવન અને વેચાણને ધ્યાનમાં રાખતાં હૈદરાબાદ કમિશનર ટાસ્ક ફોર્સે અફઝલગંજ પોલીસની સાથે મળીને ન્યુ ઓસમાનગંજ સ્થિત એક ગોદામમાં દરોડા પાડીને આશરે 1475 કિલોગ્રામના તમાકુનાં ઉત્પાદનો –જેની કિંમત રૂ. 57,07,640 થતી હતી, એને જપ્ત કર્યો છે. આ તમાકુના જથ્થાની સાથે પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી હતી.

આંધ્ર પ્રદેશમાં 1990ના દાયકામાં દર એક લાખની વસતિએ 54 કેન્સરના દર્દીઓ હતા, પણ હાલ આંધ્ર પ્રદેશમાં દર એક લાખની વસતિએ 75 કેન્સરના દર્દી નોંધાઈ રહ્યા છે. વળી, 2025 સુધીમાં રાજ્યમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં 12 ટકા વધારો થવાનો અંદાજ છે.