નવી દિલ્હીઃ રૂ. 200 કરોડની રકમને સંડોવતા મની લોન્ડરિંગ કે ખંડણીના કેસમાં બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસને અહીંની વિશેષ અદાલતે જામીન મંજૂર કર્યા છે. આ માટે જોકે જેક્લીને રૂ. બે લાખની રકમનો એક પર્સનલ બોન્ડ સુપરત કરવો પડ્યો છે. પર્સનલ બોન્ડ એટલે એક સોગંદનામું, જે પ્રતિવાદી (આરોપી)એ અદાલતને સુપરત કરવાનું હોય છે. એમાં તેણે ખાતરી આપી હોય છે કે કોર્ટ ભવિષ્યમાં જ્યારે પણ આદેશ આપશે ત્યારે પોતે કોર્ટમાં હાજર થશે અને જામીન પર પોતાના છુટકારા માટેની તમામ શરતોનું પાલન કરશે. જો શરતોનું ઉલ્લંઘન થાય તો આરોપીની બોન્ડમાંની રકમ જપ્ત કરી લેવામાં આવે છે.
આ કેસ ધરપકડ કરાયેલા અને હાલ દિલ્હીની તિહાર જેલમાં પૂરી દેવામાં આવેલા સુકેશ ચંદ્રશેખરને સંડોવતા કરોડો રૂપિયાની ખંડણીનો છે. જેક્લીન પર આરોપ છે કે તેણે આ ગેરપ્રવૃત્તિઓમાં સુકેશને સાથ આપ્યો છે. સુકેશ ગેરપ્રવૃત્તિઓ કરતો હતો તેની જાણ હોવા છતાં પણ જેક્લીને એની પાસેથી ભેટસોગાદો સ્વીકારી હતી.
ગઈ 26 સપ્ટેમ્બરે કોર્ટે જેક્લીનને રૂ. 50,000ની રકમના પર્સનલ બોન્ડ પર વચગાળાનાં જામીન મંજૂર કર્યાં હતાં. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એજન્સીએ નોંધાવેલા પૂરક આરોપનામાનો સ્વીકાર કર્યો હતો અને જેક્લીનને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. જેક્લીને એવી દલીલ સાથે જામીન માટે અરજી કરી હતી કે એને કસ્ટડીમાં લેવાનું જરૂરી નથી, કારણ કે એની સામેની તપાસ પૂરી થઈ ગઈ છે અને એની સામે આરોપનામું પણ નોંધવામાં આવ્યું નથી.