‘બેશરમ રંગ’નો નવો વિવાદઃ પાકિસ્તાની-ગીતની કોપીનો આરોપ

મુંબઈઃ શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણ અભિનીત ‘પઠાણ’ ફિલ્મનું ‘બેશરમ રંગ’ ગીત સોશ્યલ મીડિયા પર રિલીઝ કરાયું છે ત્યારથી એણે જુદા જુદા વિવાદો ઊભાં કર્યાં  છે. આ ગીતમાં દીપિકાને પહેરાવવામાં આવેલી ભગવા રંગની બિકિની અને એનાં અશ્લીલ ડાન્સ મૂવ્સ સામે સખત વિરોધ થયો છે. હવે આ ગીત પર ચોરીનો આરોપ મૂકાયો છે. પાકિસ્તાની ગાયક સજ્જાદ અલીએ આરોપ મૂક્યો  છે કે આ ગીત પોતાના એક ગીતની કોપી છે.

અલીનો દાવો છે કે ‘પઠાણ’નું ‘બેશરમ રંગ’ ગીત તેમના ‘અબ કે હમ બિછડે’ ગીત જેવું જ છે. અલીએ જોકે એમના વીડિયો નિવેદનમાં ‘પઠાણ’ના નિર્માતાઓ કે ‘પઠાણ’ ફિલ્મનું નામ લીધું નથી. એમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું છે કે, ‘આ ગીત સાંભળીને મને મારું એક જૂનું ગીત યાદ આવ્યું છે.’ સજ્જાદ અલીની આ કમેન્ટ વાંચીને ઈન્ટરનેટ યૂઝર્સ દ્વારા ‘પઠાણ’ની સખત ટીકા કરવામાં આવી રહી છે.

શાહરૂખ, દીપિકા અને જોન અબ્રાહમ અભિનીત અને સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત ‘પઠાણ’ ફિલ્મ આવતી 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે.