ભૂતપૂર્વ સાંસદ જયા પ્રદા ભાગેડુ જાહેર, ધરપકડનો આદેશ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના રામપુરની કોર્ટે 27 ફેબ્રુઆરીએ ભૂતપૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદાને ચૂંટણીની આચાર સંહિતાના ઉલ્લંઘનના બે કેસમાં ભાગેડુ જાહેર કરી છે અને પોલીસને તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ભૂતપૂર્વ સાંસદને છઠ્ઠી માર્ચે કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે.

સિનિયર પ્રોસિક્યુશન અધિકારી અમરનાથ તિવારીએ જણાવ્યું હતું કે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમ્યાન આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનના આરોપમાં રામપુરના ભૂતપૂર્વ સાંસદની વિરુદ્ધ કેમરી અને સ્વાર પોલીસ સ્ટેશનોમાં બે કેસ નોંધવામાં આવ્યા હતા.

આ કેસોમાં MP-MLA કોર્ટે તેને કેટલીય વાર સમન્સ જારી કર્યા હતા, પણ તે કોર્ટમાં હાજર નહોતી થઈ. ત્યાર બાદ તેની વિરુદ્ધ સાત વાર બિનજામીનપાત્ર વોરન્ટ જારી થયાં હતાં, પરંતુ પોલીસ તેને કોર્ટમાં હાજર નહોતી કરી શકી.

અભિનેત્રી દ્વારા વારંવાર કોર્ટના આદેશની અવગણના થતાં કોર્ટે છેલ્લે જયા પ્રદાને ભાગેડુ જાહેર કરી તેની સામે 82 સીઆરપીસી હેઠળ કાર્યવાહી કરી ડેપ્યુટી એસ.પી હેઠળ એક ટીમ બનાવી છ માર્ચ, 2024 સુધી જયા પ્રદાને અદાલતમાં હાજર કરવાનો આદેશ બહાર પડ્યો હતો. તેને વારંવાર વોરંટ જાહેર કર્યા છતાં અભિનેત્રી અદાલત સમક્ષ હાજર થઈ નહોતી અને સુનાવણીથી બચવા માટે તેણે પોતાનો મોબાઇલ પણ બંધ કરી દીધો છે.

કોર્ટના આદેશ છતાં આરોપી કોર્ટમાં હાજર ન રહે ત્યારે તેમની હાજરી સુનિશ્ચિત કરવા માટે કોર્ટ દ્વારા જાહેરનામાની કાર્યવાહી કરવામાં આવે છે. આવી કાર્યાવહીને 82 સીઆરપીસીની કહેવામાં આવે છે, એવું એક અધિકારીએ કહ્યું હતું.