ડાન્સમાં કરિયર બનાવવા અંગે “એબીસીડી” ડાન્સર મયુરેશે શેર કરી મહત્વની બાબતો

મુંબઈ: આજે વર્લ્ડ ડાન્સ ડે (World Dance Day) નિમિત્તે આજે ઉત્તમ ડાન્સર અને કોરિયોગ્રાફર મયુરેશ વાડકર વિશે વાત કરીએ. ડાન્સ ઈન્ડિયા ડાન્સ રિયાલિટી શૉથી લોકપ્રિયતા મેળવનાર મયુરેશ ડાન્સ ફોર્મ કન્ટેમ્પરરી માટે ખૂબ જાણીતા છે. મયુરેશના ડાન્સ મુવ્ઝ જોઈ ભલ ભલા અચંબો પામે છે. તેમણે રેમો ડિસોઝા “એબીસીડી” પણ અભિનય કર્યો છે. આ સિવાય તેમણે ‘નચ બલિયે’ સહિત ડાન્સ રિયાલીટી શોનો પણ ભાગ રહી ચૂક્યા છે. ચિત્રલેખા સાથે મયુરેશે ‘ડાન્સ એક કારકિર્દી’ વિષય પર વાત કરી છે.

ડાન્સ તમારા માટે શું છે?

આ અંગે વાત કરતા મયુરેશે જણાવ્યું કે નૃત્ય એ શિસ્ત છે, તે એવી વસ્તુ છે જે શબ્દોમાં વર્ણવી શકાતી નથી. ડાન્સે મને તે વ્યક્તિમાં ઘડ્યો છે જે હું છું.

 

જે લોકો ડાન્સમાં કરિયર બનાવવા માંગે છે તે પોતાને કેવી રીતે તૈયાર કરે?

ઘણા લોકો ડાન્સમાં કરિયર બનાવવા માંગતા હશે. ઈન્ડિયન ડાન્સ સિવાય હવે ભારતમાં વેસ્ટર્ન ડાન્સ ફોર્મ પણ ખૂબ પ્રચલિત થયા છે. આ સાથે જ દરેક ફિલ્ડમાં ગળાકાપ સ્પર્ધા પણ જામી છે. ત્યારે ડાન્સમાં કરિયર બનાવા માંગતા લોકોને મયુરેશ જણાવે છે કે પ્રેક્ટિસ, સમર્પણ, ધૈર્ય, પ્રેરણા, તમારી પ્રતિભા માટે પ્રેમ અને ભરપૂર વિશ્વાસ સાથે ડાન્સમાં સફળ થઈ શકો છો.

ડાન્સના કરિયરમાં કેટલો સ્કોપ છે?

દેશમાં દિન-પ્રતિદિન નવી નવી ડાન્સ સ્ટાઈલ આવી રહી છે. લોકો વેસ્ટર્ન ડાન્સ સ્ટાઈલથી પણ ખૂબ ઈન્ફ્લુએન્સ થઈ રહ્યાં છે. ત્યારે ડાન્સને એક કરિયર તરીકે લેવામાં સફળતા મળી શકે છે. તેમજ તેમાં અવકાશ પણ છે. મયુરેશ જણાવે છે કે નવા પડકારો માટે જોડાવા માટે નવી વસ્તુઓ શોધો,લોકોને મળો સંપર્ક કરો અને ક્યારેય હાર ન માનો. તેમજ ઊંડાણમાં જવાનો માર્ગ શોધો.

ડાન્સર્સે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ?

તમારું શરીર અને મન તમારું મંદિર છે તેનો દુરુપયોગ ન કરો. શક્ય તેટલી શુદ્ધતા રાખો. તમારી શારીરિક અને માનસિક રીતે ભાવનાત્મક રીતે કાળજી લેવી એ પણ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.

(નિરાલી કાલાણી)