5 હજાર ખેડૂતોના યોગદાનથી બનેલી ફિલ્મ “મંથન”નું કાન્સ ફેસ્ટિવલમાં પ્રીમિયર

મુંબઈ: પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલની 1976ની ક્લાસિક ફિલ્મ ‘મંથન’ પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થઈ રહી છે. શ્યામ બેનેગલની વર્ષ 1976ની એવોર્ડ વિજેતા ફિચર ફિલ્મ “મંથન” કે જે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના પાંચ લાખ ખેડૂતો દ્વારા બનાવવામાં આવી છે, તે ફિલ્મને 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં સ્ક્રીનિંગ માટે પસંદ કરવામાં આવી છે.

અમૂલ બ્રાન્ડના નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતી GCMMF હાલ તેમની સુવર્ણ જયંતી ઉજવી રહ્યું છે. આ માઈલસ્ટોનને યાદ કરવા માટે ફેડરેશને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન કે જે બિન- લાભકારી સંસ્થા છે તેની સાથે હાથ મિલાવ્યો છે, જે મંથન ફિલ્મને 4Kમાં રિસ્ટોર કરશે. મંથનનું 4K રિસ્ટોરેશન મે મહિનામાં યોજાનાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સત્તાવાર રેડ કાર્પેટ વર્લ્ડ પ્રીમિયર માટે પસંદ કરવામાં આવ્યું છે. મંથન એકમાત્ર ભારતીય ફિલ્મ છે જેને આ વર્ષે ફેસ્ટિવલના કાન્સ ક્લાસિક વિભાગ હેઠળ પસંદ કરવામાં આવી છે.

આ મામલે GCMMFના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું કે,“મંથન ભારતીય શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનની અગ્રણી દૂધ સહકારી ચળવળથી પ્રેરિત છે.આ ફિલ્મે ડેરી સહકારી ચળવળ પર ખૂબ જ અસર કરી છે. તેણે દેશભરના લાખો ખેડૂતોને સ્થાનિક સહકારી ડેરી બનાવવા માટે પ્રેરિત કર્યા છે અને ભારતને દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવામાં મોટું યોગદાન આપ્યું છે. મંથને લોકોમાં વિશ્વાસ આપાવ્યો કે પશુપાલન અને દૂધ ઉત્પાદન આજીવિકાનું ટકાઉ અને સમૃદ્ધ માધ્યમ બની શકે છે. ભારત વર્ષ 1998માં વિશ્વનું સૌથી મોટું દૂધ ઉત્પાદક બન્યું છે, અને ત્યારથી તે સ્થાન જાળવી રાખ્યું છે.”

મંથન ફિલ્મ વિશે

ફિલ્મ વિશે વાત કરીએ તો, સ્મિતા પાટીલની ‘મંથન’ ભારતના કૃષિ પરિદ્રશ્યમાં આ ક્રાંતિકારી યુગની વાર્તા દર્શાવે છે. જેમાં સ્મિતા પાટીલ, નસીરૂદ્દીન શાહ, ગિરીશ કર્નાડ, અમરીશ પુરીએ ગરીબ ખેડૂતોના નાના સમૂહના સંઘર્ષ અને વિજયને દર્શાવ્યો છે.જેઓ આર્થિક સ્થિતિ સુધારવા માટે સહકારી ડેરી બનાવવા માટે ભેગા થાય છે.’મંથન’ને ભારતની પ્રથમ ક્રાઉડફંડેડ ફિલ્મોમાંની એક તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું હતું, જેમાં પાંચ લાખ ખેડૂતોએ તેના નિર્માણમાં મદદ કરવા માટે પ્રત્યેક રૂ. 2નું યોગદાન આપ્યું હતું. ફિલ્મને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. તેણે 1977માં હિન્દીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ અને વિજય તેંડુલકર માટે શ્રેષ્ઠ પટકથા માટે બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પણ જીત્યા હતા. તેણે 1976ના એકેડેમી એવોર્ડ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.આ ફિલ્મ સમુદાય દ્વારા ચલાવવામાં આવેલ પહેલની પરિવર્તનશીલ સંભાવના દર્શાવે છે. અને ભારતીય સિનેમામાં સામાજિક રીતે સંબંધિત વાર્તામાં એક મહત્વપૂર્ણ વિભાગને દર્શાવે છે.

આજે દૂધ ભારતનો સૌથી મોટો કૃષિ પાક છે. કરોડો મહિલા સહિત 10 કરોડથી વધુ ખેડૂતોની આજીવિકા દૂધ પર નિર્ભર છે. રૂપિયા 10 લાખ ના બજેટમાં બનેલી ફિલ્મે વાર્ષિક રૂ 10 લાખ કરોડના દૂધ ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.