દીપિકા હવે જોવા મળી શકે છે દ્રૌપદીના રોલમાં

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણા અલગ અલગ પ્રકારના રોલ પ્લે કરી ચૂકી છે. હવે દીપિકા મહાભારતની દ્રૌપદીનું પાત્ર ભજવવા જઈ રહી છે. મહાભારતની પૌરાણિક સ્ટોરી એકવાર ફરીથી બીગ સ્ક્રીન પર લાવવામાં આવશે જેમાં બોલીવુડની ક્વીન દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકા નિભાવશે.

મહાભારત હંમેશાથી ભારતની સૌથી લોકપ્રિય અને સૌથી મહત્વપૂર્ણ કથાઓ પૈકીની એક કથા રહી છે. જો કે આ ફિલ્મમાં નવી બાબત એ છે કે આ ફિલ્મને દ્રૌપદીના દ્રષ્ટીકોણથી બનાવવામાં આવશે, જેની કલ્પના પહેલા આ પ્રકારે ક્યારેય કરવામાં આવી નથી. દીપિકા પાદુકોણે જણાવ્યું કે, હું દ્રૌપદીનો રોલ પ્લે કરવા માટે રોમાંચિત અને સન્માનિત અનુભૂતિ કરી રહી છું. જો કે મહાભારતને પૌરાણિક કથાઓ અને સાંસ્કૃતિક પ્રભાવ માટે ઓળખવામાં આવે છે, પરંતુ જીવનની ઘણી શીખ આપણને મહાભારતમાંથી મળી છે. એટલા માટે આ નવા દ્રષ્ટીકોણ સાથે મહાભારતને સમજવું ખરેખર રસપ્રદ હશે અને મહત્વપૂર્ણ પણ.

આ ફિલ્મને બે અથવા તેનાથી વધારે ભાગોમાં બનાવવામાં આવશે. આનો પ્રથમ ભાગ 2021 ની દિવાળીમાં રિલીઝ થાય તેવી શક્યતાઓ છે. દીપિકા પાદુકોણ ફિલ્મ નિર્માતા મધુ મંટેના સાથે મળીને આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું સહનિર્માણ પણ કરશે. અત્યારે તે આ મામલે ફિલ્મ નિર્માતા સાથે વાતચિત કરી રહી છે. ફિલ્મ પ્રોડ્યૂસર મધુ મંટેના કહે છે કે મહાભારતમાં દ્રૌપદીની પૌરાણિક સ્ટોરીને બીગ સ્ક્રીન પર બતાવવી તે ખૂબ મોટી જવાબદારી છે. આપણે બધા જ લોકો મહાભારત વિશે જાણીએ છીએ, પરંતુ અમારી ફિલ્મની વિશિષ્ટતા આ સ્ટોરીને દ્રૌપદીના દ્રષ્ટીકોણથી જોવાની છે, જે આપણા દેશના સૌથી મહત્વપૂર્ણ પૌરાણિક ઈતિહાસના સ્ત્રીપાત્રો પૈકી એક છે. દીપિકાએ એક એવી એક્ટ્રેસ છે કે જે આ કથાને દેશ-દુનિયા સુધી પહોંચાડી શકે છે. એટલા માટે જો તે આ ફિલ્મનો ભાગ ન બની હોત, તો અમે આ ફિલ્મને આટલા મહત્વકાક્ષી સ્તર પર ન બનાવત. અમે જલ્દી જ ફિલ્મ સાથે જોડાયેલી બાકી ક્રિએટીવ ટીમની જાહેરાત કરવા માટે તૈયાર છીએ.