હાઉસફુલ 4: હસવાની રડવા જેવી વાત

ફિલ્મઃ હાઉસફુલ 4

કલાકારોઃ અક્ષયકુમાર, બૉબી દેઓલ, રિતેશ દેશમુખ, ક્રીતિ સેનન, ક્રીતિ ખરબંદા, પૂજા હેગડે, રાણા ડગ્ગુબત્તી

ડાયરેક્ટરઃ ફરહાદ સામજી

અવધિઃ 146 મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ

સાજિદ નડિયાદવાલાની ‘હાઉસફુલ 4’ એ પ્રકારની ફિલ્મ છે, જે બનાવવા એક ખાસ પ્રકારનો હુન્નર જોઈએ- વિશેષ તો કટાઈ ગયેલું મગજ જોઈએ. આવી ફિલ્મ એ જ બનાવી શકે, જેણે ‘હિંમતવાલા’ ને ‘હમશકલ્સ’ બનાવી હોય. રાઈટ યૂ આર. ‘હાઉસફુલ’ ફ્રેન્ચાઈસીના ડિરેક્ટર સાજિદ ખાન. જો કે અડધી ઉપરાંત ફિલ્મ પૂરી કરી ત્યાં બોલિવૂડમાં #MeTooની આંધી ફૂંકાઈ, સાજિદ પણ એમાં ફસાયો એટલે એને તગેડી નિર્માતા સાજિદ નડિયાદવાલાએ ફરહાદ સામજીને ફિલ્મ સોંપી. બાકી હતું તે ફરહાદભાઈએ પૂરું કર્યું.

ફિલ્મ ઓપન થાય છે લંડનમાં. ત્રણ ભાઈ છેઃ હૅરી (અક્ષય), મૅક્સ (બૉબી દેઓલ) અને રૉય (રિતેશ દેશમુખ). ત્રણેવ ઈંગ્લાંડના ધનાઢ્ય પરિવારની કન્યા ક્રીતિ (ક્રીતિ સેનન), પૂજા (પૂજા હેગડે) અને નેહા (ક્રીતિ ખરબંદા) સાથે લગ્ન કરીને આર્થિક સંકટ દૂર કરવાની યોજના બનાવી રહ્યા છે. કન્યાના બાપા (રણજિત) માની જાય છે ને ભારતના કાલ્પનિક રજવાડા સીતમગઢની પેલેસ હોટેલમાં લગ્ન લેવાનું નક્કી થાય છે. સૌ સીતમગઢ પહોંચે છે, જ્યાં હૅરીને પોતાના છસ્સો વર્ષ પહેલાંના જન્મની વાતો યાદ આવે છે. ડિરેક્ટર પાસે ફિલ્મની વાર્તા અથવા પ્લોટના નામે બસ, આટલું જ છે.

ઈન્ટરવલ પહેલાં હૅરીને ખ્યાલ આવે છે કે પાછલા જન્મમાં એટલે કે 1419માં, એ રાજકુમાર બાલાદેવસિંહ હતો, મૅક્સ ધરમપુત્ર હતો અને રૉય હતો બાંગડુ. કન્યા પણ એ જ ત્રણ હતી, માત્ર નામ જુદાં હતાં, પણ પ્રોબ્લેમ એ છે કે ત્રણેવ જેને પ્રેમ કરતા હતા એ હવે ઉલટસુલટ થઈ ગઈ છે. ટૂંકમાં વર્તમાન સમયમાં જે લગ્ન થવાનાં છે એ જો રંગેચંગે પાર પડી જાય તો ત્રણેય પ્રેમિકાને બદલે ભાભીને પરણશે. ઈન્ટરવલ પછી જોવા મળે છે હૅરી દ્વારા બાકીના બધાને પાછલા જન્મ તથા કોણ કોના પ્રેમી છે એ યાદ કરાવવાના પેંતરા. અને એ ક્રમે ફિલ્મ ફાલતુથી ભંગાર ને ભંગારથી વાહિયાત બનતી જાય છે.

આટલું કહીને અમે કોઈ સ્પોઈલર આપ્યું નથી કે નથી તમારી મજા બગાડી કેમ કે મજા બગાડવા માટે પહેલાં તો મજા કે કુતૂહલતા કે ઉત્કંઠા જેવું કંઈ હોવું જોઈએ. ધડમાથા વગરની આ ફિલ્મમાં ફરહાદ સામજીએ (ઍક્ચ્યુઅલી સાજિદ ખાને) બોલિવૂડના કંઈકેટલા લોકોની સળી કરવાની ધૃષ્ટતા કરી છે જે બૅડ ટેસ્ટમાં તો છે જ, એમાંથી ભાગ્યે જ હાસ્ય નિષ્પન્ન થાય છે. જેમ કે ત્રણ કબૂતર છે, જેમનાં નામ છેઃ નીલ નીતિન મુકેશ. હૅરી સતત એમને કહ્યા કરે છે કે ‘મુઝપે હગ દે’ (યસ્સ, તમે બરોબર વાંચ્યું). બાહુબલી-ભલ્લાદેવ-દેવસેના-કટપ્પા, વગેરે તથા એના સર્જક રાજમૌલીની, ‘ગેમ ઓફ થ્રોન્સ’ની  સતત ખિલ્લી ઉડાડવામાં આવી છે તથા પાછલા જનમની વાર્તામાં લુક પણ ‘બાહુબલી’ જેવો રાખવામાં આવ્યો છે. મહેશ ભટ્ટ, આલિયા ભટ્ટ, પ્રિયદર્શન, રામસેભાઈઓ, વગેરેના રેફરન્સ નામ સાથે જોવા મળે છે.

ફિલ્મમાં ‘હાઉસફુલ’ના રેગ્યુલર ચંકી પાંડે-જોની લીવર છે, નવાઝુદ્દીન સિદ્દીકી એકાદ ગીત પૂરતો છે, જેમના વિશે લખવા જેવું કંઈ જ નથી. ફિલ્મના સંવાદ કંઈ આવા છેઃ ‘યસ બૅન્કને લોન દેને સે નો કેહ દિયા’-‘મૈં ભાંડ હૂં તો તૂ ગધે કી (સમજી ગયાને?) હૈ’-‘આજ મેરા ફાસ્ટ હૈ, ઈસ લિયે સ્લો મારા’, વગૈરાહ વગૈરાહ.

આવા સંવાદ ને સી ગ્રેડની રમૂજના તમે પ્રેમી હોવ તો ‘હાઉસફુલ 4’ જોવા જઈ શકો છો.

(જુઓ ‘હાઉસફુલ 4’નું ટ્રેલર)