બાગી 3: કોમનસેન્સ સાથે કોઈ લેવાદેવા નથી

ફિલ્મઃ બાગી 3

કલાકારોઃ ટાઈગર શ્રોફ, શ્રદ્ધા કપૂર, રિતેશ દેશમુખ, અંકિતા લોખંડે

ડાયરેક્ટરઃ એહમદ ખાન

અવધિઃ બે કલાક, 27 મિનિટ

★ વાહિયાત
★★ ઠીક ઠીક
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ અદ્દભુત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★

‘બાગી 3’ વિશે કંઈ પણ વધુ જાણતાં પહેલાં એના સર્જનમાં લેખક-દિગ્દર્શકે કેટલી બેદરકારી દાખવી છે એનાં કેટલાંક સૅમ્પલ જોઈ લોઃ ફિલ્મમાં એક પાત્ર ઓળખ આપવા પોતાનું નામ કહે છે, પણ એના યુનિફૉર્મ પર કંઈ ભળતું જ નામ છે… આગ્રાના એક સાવ અણઘડ પોલીસ ઈન્સ્પેક્ટરને જૈશ-એ-લશ્કરના ખૂનખાર ટેરરિસ્ટ અબુ જલાલ ગાઝાને લગતા કોઈ સિક્રેટ મિશન પર સિરિયા મોકલવામાં આવે છે (જે ખરેખર તો શિહોર જવાને પણ લાયક નથી). ઓકે, આ અબુ એટલો ખૂનખાર છે કે એ વિસ્તારમાં કોઈને ખબર નથી એ લાગે છે કેવો, એનો ચહેરો કેવો છે, પણ આગ્રાનો પોલીસ ઈન્સ્પેક્ટર એને શોધી કાઢશે એવી એના ઉપરીને ખાતરી છે, બોલો… અને, ફિલ્મ જેના પરથી ઊતરી છે એ મૂળ તમિળ ફિલ્મ ‘વેત્તાઈ’ને (એન્ડ ટાઈટલ્સમાં) તેલુગુ ગણાવવામાં આવી છે.

2016માં આવી ‘બાગી’, 2018માં આવી ‘બાગી 2’ ને હવે ‘બાગી 3’. પહેલીમાં એ માર્શલ આર્ટસ એક્સપર્ટ હતો, બીજીમાં આર્મી કમાન્ડો હતો, જ્યારે આ લેટેસ્ટ ફિલ્મમાં રૉનીનો એકમાત્ર ધંધો છે મોટા ભાઈ વિક્રમ (રિતેશ દેશમુખ) જ્યારે પણ ગભરાઈને રૉની…રૉની ચીસો પાડે એટલે એની વહારે ધસી જવાનું: પૌરાણિક ચિત્રપટ-સિરિયલ્સમાં ધડામ દઈને હવામાંથી દેવી-દેવતા પ્રગટ થઈ જાય એમ વિક્રમ જ્યારે મુશ્કેલીમાં સપડાય ત્યારે રૉની ત્યાં પ્રગટ થઈ જાય ને વિક્રમ પર સિતમ ગુજારનારાનાં હાડકાં ભાંગી નાખે, આ સંવાદ બાલીનેઃ “ખુદ પે આતી હૈ તો મૈં છોડ દેતા હૂં…મેરે ભાઈ પે આતી હૈ તો મૈં ફોડ દેતા હૂં”! (ઠોકો તાલી!) હવે, બને છે એવું કે ઈન્સ્પેક્ટર એવા ફાધર (જૅકી શ્રોફ)નું અવસાન થતાં વિક્રમ પોલીસદળમાં જોડાય છે, જ્યાં એની કામગીરી રૂપે એને સિરિયા મોકલવામાં આવે છે. કેમ કે આગ્રાનો એક ગુંડો આઈપીએલ ભાઈ (જયદીપ અહલાવત) સ્થાનિક યુવાનનાં અપહરણ કરી એમને ટેરરિસ્ટ અબુ પાસે સિરિયા મોકલે છે, જ્યાં અબુ એમને સુસાઈડ બૉમ્બર બનાવી દે…. ખરેખર, તર્ક-બુદ્ધિ જેવા શબ્દો સર્જકોએ સાંભળ્યા લાગતા નથી, નહીંતર સિરિયન ટેરરિસ્ટ ઈન્ડિયનને સુસાઈડ બૉમ્બર શું કામ બનાવે? એટલે આઈપીએસ ભાઈને અને સાથે સાથે અબુ (જમીલ ખૌરી)ને પકડવા વિક્રમ સિરિયામાં ઊતરી પડે છે. જ્યાં અબુ એને પકડી પાડે છે. રૉનીને ખબર પડતાં જ એ સિરિયા ઊડે છે- વિક્રમને અને સિરિયાને અબુ જલાલથી મુક્ત કરાવવા. અને પછી રૉની હૅલિકોપ્ટર, ટૅન્કના ખુરદા બોલાવે છે, લેટેસ્ટ હથિયાર સાથે ત્રાટકતા આતંકવાદીઓને મારી મારી અધમૂઆ કરી મૂકે છે…

ફિલ્મમાં ઈન્ટરવલ પહેલાં થોડી રમૂજ તથા અમુક સીન્સ મજેદાર છે, પણ ઈન્ટરવલ બાદ ‘બાગી 3’ ડ્રાઈવર વિનાની ગાડીની જેમ આડેધડ ફંટાવા માંડે છે. ક્લિયરલી, સર્જકો (એહમદ ખાન અને એમના લેખક ફરહાદ સામજી)નો એકમાત્ર હેતુ છે (અથવા એમને ઓવર કૉન્ફિડેન્સ હશે) કે ટાઈગર શ્રોફના નામે અને એની પર ચિત્રિત થયેલાં ઍક્શન દ્રશ્યો થકી બૉક્સ ઑફિસ નામની વૈતરણા પાર કરી જઈશું. અને ટાઈગર શ્રોફ તો, જાણે પ્રતિજ્ઞા લીધી હોય એમ ભાવવિહીન ચહેરા સાથે કામ કર્યું છે. રિતેશ અમુક સીનમાં ઠીકઠાક છે, અંકિતા લોખંડે અને શ્રદ્ધા કપૂર અનુક્રમે રિતેશ અને ટાઈગર શ્રોફના લવ એન્ગલ છે ને આવી મારધાડ સે ભરપૂર ફિલ્મમાં એમને ભાગે જે, ને જેટલું કરવાનું આવ્યું એ કર્યે જાય છે. જયદીપ અહલાવત તથા વિજય વર્મા (‘ગલીબૉય’વાળો) જેવા પ્રતિભાશાળી ઍક્ટર્સ સદંતર વેડફાઈ ગયા છે.

જો અને માત્ર જો તમે ધડમાથાં વગરની વાર્તા પચાવી શકતા હો ને ટાઈગર શ્રોફના, એની ઍક્શનના ડાઈ હાર્ડ ફૅન હોવ તો જ ‘બાગી 3’ જોવા જજો.

(જુઓ ‘બાગી 3’નું  ટ્રેલર)