શુભ મંગલ જ્યાદા સાવધાનઃ સાવધાન નહીં… વિશ્રામની મુદ્રામાં જોઈ શકાય!

ફિલ્મઃ શુભ મંગલ જ્યાદા સાવધાન

કલાકારોઃ આયુષ્માન ખુરાના, જિતેન્દ્રકુમાર, ગજરાજ રાવ, નીના ગુપ્તા

ડાયરેક્ટરઃ હિતેષ કૈવલ્ય

અવધિઃ આશરે બે કલાક

★ વાહિયાત
★★ ઠીક ઠીક
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ અદ્દભુત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★

પાંચેક વર્ષ પહેલાં આવેલી શોનાલી બોઝની ‘માર્ગરેટ વિથ અ સ્ટ્રૉ’થી લઈને ‘માય બ્રધર નિખિલ’, શકૂન બત્રાની ‘કપૂર ઍન્ડ સન્સ’, હંસલ મહેતાની ‘અલીગઢ’ કે ગયા વર્ષે આવેલી ‘ઈક લડકી કો દેખા તો ઐસા લગા’ જેવી ફિલ્મોને બાદ કરતાં હિંદી ફિલ્મોમાં મોટે ભાગે સેમ-સેક્સ લવના વિષયને મજાકનો કે ચીપ બનાવીને રજૂ કરવામાં આવે છે. બે વર્ષ પહેલાં દક્ષિણના ડિરેક્ટર આર. પ્રસન્નાની ‘શુભ મંગલ સાવધાન’ માટે રાઈટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળનાર હીતેષ કૈવલ્યએ આ વખતે એટલે કે સિક્વલમાં લેખન ઉપરાંત દિગ્દર્શન પણ સંભાળ્યું છે ને સિક્વલ માટે વિષય પસંદ કર્યો છેઃ ગે કપલનો. જો કે લેખનમાં સાતત્ય જળવાયું નથી અને ઘણી જગ્યાએ ફિલ્મ ઢીલી પડી જાય છે, જો પટકથા પર થોડું વધારે ધ્યાન આપવામાં આવ્યું હોત ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ સીમાચિહ્ન રૂપ ફિલ્મ બનવાનું કૌવત ધરાવે છે.

કાર્તિક (આયુષ્માન ખુરાના) અને અમન (જિતેન્દ્રકુમાર)ને પ્રેમ છે, બન્ને દિલ્હીમાં સાથે રહે છે, સાથે જૉબ કરે છે, સાથે મોજમજા કરે છે. સમસ્યા શરૂ થાય છે અમનની કઝીનનાં લગનથી. અમનનો જૉઈન્ટ પરિવાર અલાહાબાદમાં વસે છે અને એમાં કઝીન ગોગલ (માનવી ગાગરુ)નાં લગન લેવાય છે. એમાં મહાલવા કાર્તિક-અમન ‘વિવાહ સ્પેશિયલ’ ટ્રેનમાં જોડાય છે, જ્યાં અમનના પિતા શંકર ત્રિપાઠી (ગજરાજ રાવ) બન્નેને કિસ કરતાં જોઈ જાય છે. એ પછી વાત અમનની માતા સુનયના ત્રિપાઠી (નીના ગુપ્તા)થી આગળ વધતી વધતી પહેલાં પરિવારને પછી સમાજને ખબર પડે છે અને…

આયુષ્માન ખુરાનાની આગલી ફિલ્મો (‘દમ લગા કે હઈશા’થી, ‘શુભ મંગલ સાવધાન’, ‘બધાઈ હો’, વગેરે)ની જેમ અહીં પણ મુખ્ય પાત્રની સમસ્યાના આખા સંયુક્ત પરિવારના ઉકેલ શોધવાના પ્રયાસમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અર્થાત ફિલ્મના કેન્દ્રમાં સેમ-સેક્સ-લવ નહીં, પણ એને ફૅમિલી જે રીતે જુવે છે, જે રીતે રિઍક્ટ કરે છે એ છે. એક તરફ પરિવાર ઈચ્છે છે કે અમન-કાર્તિક છૂટા પડે, અમન સુંદરમજાની કન્યા કુસુમ (પંખુડી અવસ્થી)ને પરણી જાય તો બીજી બાજુ કાર્તિક-અમન પરિવારના સભ્યોનાં મનમગજમાં એ ઠસાવવા માગે છે કે આમાં કંઈ રોંગ નથી, આ બહુ નૉર્મલ વાત છે…

ફર્સ્ટ હાવ અથવા ઈન્ટરવલ પહેલાંનો ભાગ સરળતાથી વહે છે. આ સરળતા અથવા સાતત્ય ઈન્ટરવલ પછી દેખાતું નથી. અનેક સીન્સ ઊપજાવી કાઢેલા અને બાલિશ લાગે છે, કૉમેડી સાવ જ સ્લૅપસ્ટિક બની જાય છે ને ગાડી પાટા પરથી ઊતરતી લાગે, પણ પછી છેલ્લી દસેક મિનિટમાં મામલો સંભાળી લેવામાં આવ્યો છે.

હિતેષ કૈવલ્યના સંવાદમાં અનેક ઠેકાણે કૉમેડીની સાથે સાથે સેમ-સેક્સ લવર્સની વ્યથા રજૂ કરવામાં આવી છે. દાખલા તરીકે અમનના પિતા વિજ્ઞાની છે, એમણે કાળી ફૂલગોબી ડેવેલપ કરી છે (અગેન, આ આખો ટ્રૅક પણ બાલિશ અને ઊપજાવી કાઢેલો લાગે છે.) ઝનૂનપૂર્વક કાર્તિક-અમનને છૂટા પાડવા માગતા સાયન્ટિસ્ટ ફાધરને કાર્તિક કહે છેઃ “હું પણ જોઉં છું દુનિયાનું કયું વિજ્ઞાન નેચરને બદલે છે”. અથવા “અમારા જેવાએ તો રોજ લડાઈ લડવી પડતી હોય છે જીવનમાં, પણ સૌથી અઘરી લડાઈ પરિવાર સાથેની હોય છે”.

અભિનયમાં આયુષ્માન અને જિતેન્દ્રકુમાર ઉપરાંત અહીં સપોર્ટિંગ કાસ્ટનો ઉલ્લેખ અવશ્ય કરવો પડે, જે મોટે ભાગે હાંસિયામાં ધકેલાઈ જતા હોય છે. નીના ગુપ્તા-ગજરાજ રાવ ઉપરાંત મનુ રિશી-સુનીતા રાજવર (અમનનાંચાચા-ચાચી), માનવી ગગરુ (અમનની કઝીન), પંખુડી અવસ્થી (અમનની વૂડ બી મંગેતર), વગેરે. ટૂંકમાં, ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ અનેક ખામી બાવજૂદ જોઈ શકાય એવી ફિલ્મ છે.

 

(જુઓ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’નું  ટ્રેલર)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]