ચીનની જેલમાં પહોંચ્યો કોરોનાઃ 400 કેસ નોંધાયા

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસ સતત કહેર વરસાવી રહ્યો છે. આ ઘાતક વાયરસની ઝપેટમાં આવવાથી ચીનમાં અત્યારસુધીમાં કુલ 2,239 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે પીડિતોની સંખ્યા વધી 75000 થી વધી ગઈ છે. સ્વાસ્થ્ય અધિકારીઓ અનુસાર, હુબેઈમાં 414 નવા કેસોની પુષ્ટી થઈ છે. માત્ર હુબેઈમાં જ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 2,114 પર પહોંચી ગઈ છે.

ચીનની જેલોમાં કોરોના વાયરસના 400 થી વધારે કેસો નોંધાયા છે. સ્વાસ્થ્ય આયોગે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પૂર્વી શેડોંગમાં રેનચેંગ જેલમાં સાત ગાર્ડ અને 200 કેદીઓનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. આ સિવાય પૂર્વી ઝેજિયાંગ પ્રાંતના શિલિફેંગ જેલમાં 34 કેસોની પુષ્ટી થઈ છે.

કોરોના વાયરસના વધી રહેલા સંકટને જોતા અમેરિકન એરલાઈન્સે ચીન અને હોંગકોંગથી આવનારા વિમાનો પર પ્રતિબંધને 24 એપ્રિલ સુધી વધારી દીધો છે. જ્યારે એર ફ્રાંસે ચીનથી આવનારા અને જનારા વિમાનો પર માર્ચ સુધી પ્રતિબંધ લગાવ્યો છે.

મધ્ય ચીનના હુબેઈ પ્રાંતની રાજધાની વુહાન શહેરમાં કોરોના વાયરસનો પહેલો કેસ ડિસેમ્બરમાં સામે આવ્યો હતો. ત્યારથી આ વાયરસ વુહાનથી ચીન અને ચીનથી વટીને દુનિયાના 25 થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ચીનની બહાર કોરોના વાયરસથી 9 લોકોના મોત થયા છે. આમાં જાપાનમાં 3, હોંગકોંગમાં 2, ઈરાનમાં 2, દક્ષિણ કોરિયા અને ફ્રાંસમાં 1-1 વ્યક્તિના મોત થયા છે.