પ્રાણઃ ‘પાછું વળીને જોઉં છું ત્યારે’

હિન્દી ફિલ્મોના અગ્રગણ્ય ચરિત્ર અભિનેતા પ્રાણનું આ જન્મશતાબ્દી વર્ષ છે. 1920ની 12 ફેબ્રુઆરીએ જન્મેલા પ્રાણની મુલાકાત વિશિષ્ટ એ રીતે બની હતી કે ‘જી’નો એ ૫૦૦મો અંક હતો અને પ્રાણની ફિલ્મી દુનિયાના ૫૦ વર્ષ પૂરા થયા હતા.


(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે એપ્રિલ ૧૯૯૧ અંકનો)


1970 સુધી સારી ફિલ્મો બનાવવાની સ્પર્ધા હતી, આજે ખરાબ ફિલ્મો બનાવવાની સ્પર્ધા છે

૧૯૪૦માં અભિનય કારકિર્દી શરૂ કરનાર પ્રાણે ૫૦ વર્ષની પોતાની ફિલ્મ કારકિર્દી દરમિયાન જે ચડતી પડતી, પરિવર્તનો અને ફેરફારો જોયા એ પોતાના શબ્દોમાં અહીં વર્ણવે છે.

* છેલ્લા ૫૦ વરસોમાં મેં ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. માનવજીવનના લગભગ દરેક પાત્રને હું જીવી ચૂક્યો છું. દરેક પ્રકારના પોશાકો, વીગ તથા દાઢી મૂછ વાપરી ચૂક્યો છું.

* કારકિર્દી શરૂ કરી ત્યારે અભિનય કઈ બલાનું નામ છે એની મને જાણ સુદ્ધાં નહોતી. એ જમાનામાં ફિલ્મોમાં કામ કરવાનું હલકું ગણાતું. ઉપરાંત મને અભિનયનો શોખ નહોતો.

* પહેલી ફિલ્મ યમલા જટ (પંજાબી)માં મેં કામ કર્યું અને ફિલ્મ હિટ નીવડતા હું પણ હિટ બની ગયો. હીરો તરીકે પહેલી હિંદી ફિલ્મ ખાનદાન હતી. જેની હીરોઈન નૂરજહાં એ વખતે માત્ર ૧૨ વરસની હતી. મારા કરતાં એની ઊંચાઈ ઓછી હોવાથી એને સ્ટૂલ પર ઊભી રાખતા. આઉટડોરમાં ઈંટો તથા પથ્થરો પર ઊભી રાખીને સંવાદ બોલાવતા.

સજ્જનને ડરાવતો પ્રેમનાથ, સાથે છે પ્રાણ (ધનદૌલત)

* પચાસ વરસમાં ઘણું બદલાઈ ગયું. અગાઉ (બ્લેક ઍન્ડ વ્હાઈટ) કૃષ્ણ-ધવલ ફિલ્મો બનતી. આજે રંગીન બને છે. ૧૯૭૦ સુધી સારી ફિલ્મો બનાવવાની સ્પર્ધા હતી. અમારા સમયમાં ટેક્નિકલ પ્રગતિ ઓછી પરંતુ શિસ્તભાવના ખૂબ કડક હતી. આજે ટેક્નિકલ દ્રષ્ટિએ ખૂબ પ્રગતિ થઈ છે પણ શિસ્તનું નામોનિશાન રહ્યું નથી.

* હું કદી રવિવારે શૂટિંગ કરતો નહોતો. આજે કરવું પડે છે. અમારા સમયમાં કલાકારો વાસ્તવિક જીવનની નિકટ રહેતા. સાદાસીધા કપડા પહેરાતા. આજે કલાકારો પાત્રની ચિંતા કર્યા વિના ફેશન પરેડમાં જતા હોય એવા કપડા પહેરે છે.

* આ પચાસ વરસોમાં માણસના જીવનમાં જેટલા ફેરફારો થયા એથી વધુ ફેરફારો ઝડપથી ફિલ્મ સૃષ્ટિમાં થયા. દૂર ઊભેલા પાત્રને ઝડપી લેતા ઝૂમ લેન્સ અમારા સમયમાં નહોતા. આજે તો ઢગલાબંધ લેન્સ આવી ગયા છે.

* ખલનાયક તરીકે સિગારેટના ધુમાડાના વલયો છોડવાની સ્ટાઈલ મેં શરૂ કરી. પાછળથી ઘણાંએ એની નકલ કરી પરંતુ મારા જેવા વર્તૃળો કોઈ છોડી શક્યું નહીં.

ખલનાયક બનવા પાછળનું કારણ એ કે…

* ભાગલા પછી એમ લાહોરથી મુંબઈ આવ્યા ત્યારે થોડા દિવસોમાં પૈસા ખતમ થઈ જતા હોટલનું બિલ ચૂકવવા મારે પત્નીનાં ઘરેણા વેચી નાખવા પડ્યા હતા.

* મુંબઈમાં મેં સ્વીકારેલી પહેલી ફિલ્મ ઝિદ્દી માટે મને મહિને ૫૦૦ રૂપિયા મળતા. બીજી ફિલ્મ અપરાધીમાં છસો અને ત્રીજી ફિલ્મ ગૃહસ્થી માટે ૧૦૦૦ રૂપિયા મળ્યા.

* મને બે પુત્ર અને એક પુત્રી છે. પાંચ પૌત્ર-દોહિત્ર છે.

* અમારા સમયમાં ધાર્મિક અને ઐતિહાસિક ફિલ્મોની બોલબાલા હતી. આજે ધર્મ અને ઈતિહાસ રૂપેરી પરદા પરથી ગાયબ થઈ ગયા છે.

અગાઉની હીરોઈનોના ચહેરા પર જે કોમળતા અને સાદગી હતા એ આજે ક્યાંય નજરે પડતા નથી. ફિલ્મ હલાકુમાં મુખ્ય પાત્ર વિલન હતું. એક વિલન હીરો બને એ મારી હીરોઈન મીનાકુમારીને પસંદ નહોતું પડ્યું.

* રિકી ફિલ્મમાં મેં ઢોંગી તથા બદમાશ સાધુ લાલટેન બાબાનું પાત્ર કરેલું. મેં કરેલા ખલનાયકોમાં સૌથી ખરાબ એ પાત્ર હતું. મને પોતાને એ પાત્ર કરતી વખતે શરમ આવતી હતી.

* વિદેશ યાત્રા તો ઘણી કરી પરંતુ બે અનુભવો યાદગાર છે. એ ઘટનાઓ ઝંઝીર ફિલ્મ રજૂ થયા પછીની છે. અફઘાનિસ્તાનના પ્રવાસ દરમિયાન બધે મારો પરિચય શેર ખાન તરીકે કરાવાયો હતો. એ પછી ફિલ્મ ફેસ્ટિવલ નિમિત્તે મોસ્કો ગયેલો. શરૂમાં મને કોઈ ઓળખતું નહોતું પરંતુ ઝંઝીર ફિલ્મ રજૂ થયા પછી લોકો શેર ખાન કહીને મારા પર એવું વહાલ વરસાવવા માંડ્યા કે જિંદગીમાં પહેલીવાર એકધારી ૪૦ મિનિટે સુધી મેં ઓટોગ્રાફ આપ્યા. મારો હાથ દુ:ખી ગયો. એ પ્રેમ કદી ભૂલ્યો નથી.

* ભણવામાં પહેલેથી કમજોર હતો એટલે મેટ્રિક પછી પિતાએ એક ફોટોગ્રાફરને ત્યાં નોકરીએ લગાડી દીધો. પચીસ વસની વયે મારા લગ્ન થયા.

* ૧૯૪૭ના ઓગસ્ટની ૧૪મીએ લાહોરમાં હિંદુ-મુસ્લિમ હુલ્લડો થતા હું લઈને મુંબઈ ભાગી આવ્યો.

* દિલ દિયા દર્દ લિયાને હું મારી શ્રેષ્ઠ ફિલ્મ ગુણું છું. મારી કારકિર્દીના શ્રેષ્ઠ નિર્દેશકોમાં કે. આસિફ, બિમલ રૉય, રાજ કપૂર અને મનોજકુમારનો સમાવેશ થાય છે.

વિલન પ્રાણને નવી ઈમેજ આપી ફિલ્મસર્જક મનોજકુમારે

* ૧૯૭૦ સુધી પ્રેક્ષકો મને ખૂની, નીચ અને ગુંડો કહેતા. આજે સારો માણસ કહે છે.

* મારા સંતાનોને મેં ફિલ્મોથી દૂર રાખવાના કાયમ પ્રયત્નો કર્યા છે. મારો મોટો પુત્ર લંડનમાં કેમિકલ એન્જિનિયર છે. નાનો પુત્ર સુનીલ પહેલેથી નિર્દેશક બનવા ઉત્સુક હતો. મેં કદી એને રોક્યો નથી. આજે એ નિર્દેશક છે.

* અગાઉ સ્ટુડિયોમાં પ્રવેશતી વખતે અભિનેત્રીઓ સ્ટુડિયોની માટી માથે ચડાવતી. આજે અભિનેત્રીઓ સ્ટુડિયોને પૈસા કમાવાની દુકાન માને છે. દુનિયા કેવી બદલાઈ ગઈ?

* કારકિર્દીમાં ઘણી વાર મને અકસ્માતો નડ્યા છે. મારા શરીરના ડાબા અંગને જાણે શ્રાપ છે. ત્યાં બાવીસ જખમો છે. ડઝનબંધ હાડકા ભાંગ્યા છે. છતાં આજે ૭૧ વરસની ઉંમરે પણ મને અભિનય સાથે વરસો પહેલાં હતો એવો જ લગાવ છે.

* ખલનાયક બનવા પાછળનું કારણ એ કે હીરો તરીકે નાચવું અને ગાવું પડતું. હીરોઈનની પાછળ દોડીને ઝાડ ફરતે ગરબા લેવા પડતા. એ બધું મને ગમતું નહોતું.

* કારકિર્દીમાં કદી કોઈ ભૂમિકા મેં રિપીટ નથી કરી.

* લાહોરથી મુંબઈ આવ્યો ત્યારે મને કોઈ અભિનેતા માનવા તૈયાર નહોતું. પરિણામે મને કોઈએ રોલની ઓફર ન કરી. જો કે એ દિવસોમાં બહુ ઓછી ફિલ્મ કંપનીઓ હતી. બહુ ઓછી ફિલ્મો બનતી. આજે તો અનેક છે. એ સમયે ઘરો અને બંગલાઓવાળા પોતાના ત્યાં ફિલ્મોનું શૂટિંગ કરવા નહોતા દેતા.

* ચાલીસ પચાસ વરસ પહેલાં હતો એટલો જ વ્યસ્ત હું આજે છું. અગાઉ ફિલ્મ શરૂ થતી અને બે ચાર મહિનામાં પૂરી થઈ જતી. આજે તો વરસો લાગી જાય છે.

* એ સમયની ફિલ્મોનું સંગીત અમર થઈ ગયું છે. આજે ફિલ્મ સાથે સંગીત પણ ખતમ થઈ જાય છે.

* મારી કારકિર્દીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં નરગીસ, દુર્ગા ખોટે, નૂતન, મીનાકુમારી, લલિતા પવાર અને નાદિરા છે.

* અગાઉ સંવાદોમાં ઉર્દૂ ભાષાનો બહુ પ્રભાવ રહેતો.

* અમારા સમયમાં એક્ટિંગ સ્કૂલો નહોતી. આજે વધુ પ્રતિભાશાળી કલાકારો છે કારણ કે એ બધા પૂરતી તાલીમ લઈને આવે છે.

* ઉંમરથી કદાચ હું વૃદ્ધ છું પણ કૅમેરા સામે અભિનય કરતી વખતે હું મારી જાતને યુવાન અને તરોતાજા જ સમજું છું.

* હું નામચીન વિલન હતો ત્યારે મધુબાલા, મીનાકુમારી, વૈજયંતિ માલા વગેરે તમામ અભિનેત્રીઓ મારી સાથે કામ કરતા ગભરાતી.

* કારકિર્દી દરમિયાન હું કદી ખોટું બોલ્યો નથી. કદી કોઈને દગો દીધો નથી. પૂરેપૂરી ઈમાનદારીથી કામ કર્યું છે. જો કે ૫૦ વરસથી કામ અભિનય કરતો હોવા છતાં હું મારી જાતને અભિનયનો વિદ્યાર્થી ગણું છું.

* આજના કલાકારોને એટલું જ કહેવાનું કે યાદગાર અભિનય કરવો હોય તો નિર્દેશકને ગુરુ માનો અને તમારા કામની ઈજ્જત કરતા શીખો.