શ્રદ્ધા કપૂરે રૂ.4 કરોડની લેમ્બોર્ગિની ખરીદી; નેટયૂઝર્સ દ્વારા ટીકા

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ગઈ કાલે દશેરાના શુભ દિવસે રૂ. ચાર કરોડની તોતિંગ કિંમતે આકર્ષક એવી નવીનક્કોર લેમ્બોર્ગિની કાર ખરીદી છે. તેની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે. જોકે કેટલાક લોકોએ આ ખરીદી માટે શ્રદ્ધાની ટીકા કરી છે. તેમણે એવો નિર્દેશ કર્યો છે કે આ એ જ શ્રદ્ધા છે જેણે કેટલાક વર્ષો અગાઉ ગોરેગાંવ (પૂર્વ)માં આવેલા આરે કોલોની વિસ્તારમાં મેટ્રો ટ્રેન કાર શેડ બાંધવા સામે વિરોધ કર્યો હતો અને આજે પેટ્રોલથી ચાલતી કાર ખરીદી છે.

શ્રદ્ધા આજે તેની નવી કારને ડ્રાઈવ કરીને જુહૂ વિસ્તારના ઈસ્કોન મંદિર ખાતે ગઈ હતી અને ત્યાં એણે પૂજા કરી હતી. અમુક નેટયૂઝર્સે શ્રદ્ધાની ટીકા કરતા કહ્યું છે કે આ પેટ્રોલવાળી કાર તો ઓછું માઈલેજ આપે છે અને વધારે ઈંધણ વાપરે છે. તે વધારે કાર્બન ડાયોક્સાઈડનો ફેલાવો વાતાવરણમાં કરે છે. હજી અમુક વર્ષો પહેલાં તો એણે ‘ક્લાઈમેટ એક્ટિવિસ્ટ’ બનીને પર્યાવરણ રક્ષણની હિમાયત કરી હતી અને આજે પર્યાવરણ માટે હાનિકારક એવા પેટ્રોલથી ચાલતી લક્ઝરી કાર ખરીદી છે.