મુંબઈ અને ગુજરાતના નાટ્યરસિકો તથા કલાપ્રેમીઓને લગભગ દોઢ દાયકાથી ઘેલું લગાડનાર ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’નો દબદબો સતત 14મા વર્ષે પણ યથાવત્ રહ્યો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત, ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી (બીસીસીએ) આયોજિત આ વર્ષની ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦’નો ગ્રેન્ડ ફિનાલે શો યોજાયો 22 જાન્યુઆરીના બુધવારે સાંજે અંધેરી (વેસ્ટ)માં ભવન્સ કેમ્પસમાં.
આ વખતની સ્પર્ધા વિશેષ એ રીતે બની રહી કે તેમાં એક નહીં, પણ બે નાટક વિજેતા બન્યા. ‘નિમિત્ત કમ બેક સુન’ અને ‘કુમારની અગાશી’, આ બંને નાટકની ભજવણી એટલી બધી પ્રભાવશાળી રહી કે એ બંનેને સમાન વિજેતા જાહેર કરવાની નિર્ણાયકોને ફરજ પડી.
વિજેતા નાટકોની જ્યારે ઘોષણા કરવામાં આવી એ સાથે જ સરદાર પટેલ સભાગૃહમાં બંને નાટકના કલાકારો અને કસબીઓનાં હર્ષનાદો અને નાટ્યપ્રેમી દર્શકોના તાળીઓનાં ગડગડાટથી સભાગૃહ ગૂંજી ઊઠ્યું.
ઈનામ વિતરણ કાર્યક્રમની સાથે મનોરંજનની મહેફિલ ‘જસન ને જલસો’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી જૂની રંગભૂમિના ગીતો, નૃત્યો, ગીત-સંગીત, એકોક્તિ, દુહા-છંદની રસલ્હાણ માણવા મળી હતી. ‘જસન ને જલસો’ની પ્રસ્તુતિ જાણીતા કલાકાર રાજુલ દિવાન અને હેતલ જોશી દ્વારા કરવામાં આવી હતી. હેતલ જોશીનાં ગ્રુપનાં સભ્યોએ ‘રેવા’ અને ‘હેલ્લારો’ નૃત્ય પેશ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. રાજુલ દિવાન અને સાથીએ રંગલો-રંગલી ભવાઈ આઈટમ રજૂ કરીને મનોરંજનનો રસથાળ પીરસ્યો હતો.
‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટક, ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી, નાટ્યકાર પ્રવીણ સોલંકી, અભિનેતા અને નાટ્યદિગ્દર્શક લતેશ શાહે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરાવ્યા બાદ રાગેશ્વરી ગાયકવાડે ગણેશ સ્તુતિ રજૂ કરી હતી તો કેયૂરી શાહે એકોક્તિ દ્વારા તેની અદ્દભુત અભિનયકળાનું પ્રદર્શન કર્યું હતું.
‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા ૨૦૨૦’ના વિજેતા નાટકોની પસંદગી કરનાર ત્રણ જજ હતા – પ્રવીણ સોલંકી, લતેશ શાહ અને રોબિન ભટ્ટ.
‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦’ના ઈનામવિજેતાઓની વિગત આ મુજબ છેઃ
શ્રેષ્ઠ નાટક
પ્રથમ ઈનામ (વિભાજીત)
નિમિત્ત કમ બેક સુન (થિયેટર ઓફ જનરેશન નેક્સ્ટ-સુરત)
કુમારની અગાશી (સિલ્યુએટ થિયેટર-સુરત)
દ્વિતીય ઈનામ (વિભાજીત)
શુભ મંગલ સાવધાન (એક્યૂરેટ પ્રોડક્શન-વડોદરા)
અંત વગરની વાત (માનસી શાહ-અમદાવાદ)
તૃતિય ઈનામ
અહમનું એન્કાઉન્ટર (ઉદય આર્ટ-નવસારી)
પ્રોત્સાહન ઈનામ (શ્રેષ્ઠ નાટક કેટેગરીમાં) (વિભાજીત)
તું અને હું (અલ્ટિમા ઈવેન્ટ્સ-મુંબઈ)
મીંડી કોટ (જયઘોષ થિયેટર-નવસારી)
પ્રેમની તા…તા… થૈયા (ઝેડ.એસ. ગ્રુપ – વડોદરા)
શ્રેષ્ઠ દિગ્દર્શક
રિષીત ઝવેરી (નિમિત્ત કમ બેક સુન)
દેવાંગ જાગીરદાર (કુમારની અગાશી)
દ્વિતીય ઈનામ (વિભાજીત)
કર્તવ્ય શાહ (અંત વગરની વાત)
કિરણ પાટીલ (શુભ મંગલ સાવધાન)
તૃતિય ઈનામ
રૂમી બારિયા (અહમનું એન્કાઉન્ટર)
શ્રેષ્ઠ અભિનેતા
સ્વપ્નીલ પાઠક (નિમિત્ત કમ બેક સુન)
દ્વિતીય ઈનામ (વિભાજીત)
પલાશ આઠવલે (કુમારની અગાશી)
હિમાંશુ વૈદ્ય (અહમનું એન્કાઉન્ટર)
તૃતિય ઈનામ (વિભાજીત)
વિશાલ ચૌહાણ (અંત વગરની વાત)
કુરુષ જાગીરદાર (મીંડી કોટ)
શ્રેષ્ઠ અભિનેત્રી
પ્રથમ ઈનામઃ
મેઘા સિયારામ (કુમારની અગાશી)
દ્વિતીય ઈનામઃ
રૂબી ઠક્કર (શુભ મંગલ સાવધાન)
તૃતિય ઈનામ (વિભાજીત)
જૈની શાહ (અંત વગરની વાત)
શિલ્પી લુહાર (અહમનું એન્કાઉન્ટર)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
પ્રથમ ઈનામઃ નીરજ ચિનાઈ (નિમિત્ત કમ બેક સુન)
દ્વિતીય ઈનામઃ નીરવ પરમાર (અંત વગરની વાત)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
પ્રથમ ઈનામઃ સુહાની જાગીરદાર (કુમારની અગાશી)
દ્વિતીય ઈનામ (વિભાજીત):
પૂનમ મેવાડા (પ્રેમની તા… તા… થૈયા) અને પૂર્વી ભટ્ટ (શુભ મંગલ સાવધાન)
શ્રેષ્ઠ યુવા પ્રતિભા – જય કોટક પારિતોષિક
જીત સોલંકી (શુભ મંગલ સાવધાન)ને ‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટક અને વાઈસ-ચેરમેન મનન કોટકના હસ્તે એવોર્ડ એનાયત કરાયો.
સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ
અદ્વિતા ગોહિલ
વિશેષ પારિતોષિક
સૌમ્ય પંડ્યા
શ્રેષ્ઠ મૌલિક કૃતિ
શ્રેષ્ઠ કલા નિર્દેશન
શિવાંગ ઠક્કર (નિમિત્ત કમ બેક સુન)
શ્રેષ્ઠ પ્રકાશ રચના
મિતુલ હરીશ લુહાર (નિમિત્ત કમ બેક સુન)
શ્રેષ્ઠ સંગીત આયોજન
રૂમી બારિયા (અહમનું એન્કાઉન્ટર)
શ્રેષ્ઠ વેશભૂષા
શિવાંગ ઠક્કર (નિમિત્ત કમ બેક સુન)
પારિતોષિક વિતરણ સમારંભમાં 63 મૂન્સ ટેક્નોલોજીઝના ચેરમેન ઈમેરિટસ જિજ્ઞેશ શાહ, નીલા ટેલિફિલ્મ્સના અસિતકુમાર મોદી, ટ્રાન્સમિડિયાના જસ્મીન શાહ, ભવન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ, દિલીપ રાવલ, અશોક બંઠિયા, મયૂર વાકાણી જેવા અભિનેતા, સુજાતા મહેતા, મિનળ પટેલ, અલ્પના બુચ જેવાં અભિનેત્રી, દિગ્દર્શક જયંત ગિલાટર, નિર્માતા કૌસ્તુભ ત્રિવેદી, સ્વ. તારક મહેતાનાં પુત્રી ઈશાની શાહ અને એમનાં પતિ ચંદુ શાહ જેવાં મહાનુભાવો, ‘ચિત્રલેખા’નાં સહ-સંસ્થાપક મધુરીબહેન કોટક, રાજુલ મૌલિક કોટક, ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી, ‘ચિત્રલેખા’ પરિવારનાં સભ્યો તથા નાટ્યરસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રવીણ સોલંકીએ કહ્યું કે, ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’ ગુજરાતી નાટ્યક્ષેત્રમાં કંઈક નોખું કરવા માટે શરૂ કરવામાં આવી છે. નાટ્યસ્પર્ધાનો આરંભ કરવા બદલ ‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટકનો તેમજ સ્પર્ધાને આગળ વધારવામાં મદદરૂપ થવા બદલ સોલંકીએ જિજ્ઞેશ શાહનો આભાર માન્યો હતો.
જિજ્ઞેશ શાહે કહ્યું કે સમાજમાં ડોક્ટરો, વકીલોની જેમ કલાકારોના વ્યવસાયને પણ સરખું જ મહત્ત્વ આપવું જોઈએ. આ વ્યવસાયની સંભાળ લેવી એ સમાજની ફરજ છે. ‘ચિત્રલેખા’ એ મેગેઝિન નહીં, પરંતુ એક સંસ્કૃતિ છે. આ નાટ્યસ્પર્ધાને જ્યાં સુધી ચાલુ રાખવી હોય ત્યાં સુધી એને મદદરૂપ થવા અમે તૈયાર છીએ.
જસ્મીન શાહે કહ્યું કે, ચિત્રલેખા મેગેઝિન ગુજરાતીઓનું એક પ્રતિબિંબ છે. આ નાટ્યસ્પર્ધા શરૂ કરવા બદલ હું એમને સેલ્યૂટ કરું છું.
સમગ્ર પારિતોષિક વિતરણ કાર્યક્રમનું સંચાલન પ્રીતિ શાહે કર્યું હતું.
ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરીના રમાકાંત ભગતે તમામ પ્રાયોજકો, સ્પર્ધકો અને પ્રેક્ષકોનો આભારવિધિ વ્યક્ત કર્યો હતો.
‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦’ના અન્ય સહયોગીઓ હતાંઃ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ. (એસઆરકે) સુરત, જીવનભારતી મંડળ (સુરત), એગ્રોસેલ ઈન્ડસ્ટ્રિઝ (ભૂજ), રાજ થિયેટર-રાજવી જોશી (મુંબઈ), ભવન્સ કલા કેન્દ્ર-ચોપાટી, મુંબઈ.
(સમગ્ર ઈનામ વિતરણ સમારંભની વધુ તસવીરો)
અહેવાલઃ મનોજ મોતીવાલા
તસવીરોઃ પ્રકાશ સરમળકર, , જિજ્ઞેશ મકવાણા