‘તમે કૃતઘ્ન માણસ છો’: સુષ્મા સ્વરાજનાં પતિએ નસીરુદ્દીન શાહની ઝાટકણી કાઢી

નવી દિલ્હી – પીઢ બોલીવૂડ અભિનેતાઓ નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેર વચ્ચે શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ શાબ્દિક ઝઘડો શાહે એક મુલાકાતમાં ખેરને જોકર કહ્યા એમાંથી થયો છે.

શાહે તે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અનુપમ ખેર જેવા કેટલાક લોકો ગમે તેમ બોલે છે. એવા લોકોને ગંભીરતાથી લેવા ન જોઈએ. એ તો એક જોકર છે અને ચસકી ગયેલા મગજના છે. એ એના લોહીમાં છે.

અનુપમ ખેરે આનો જવાબ પોતાનો એક વિડિયો ઈન્ટરનેટ પર રિલીઝ કરીને આપ્યો છે. એમણે કહ્યું કે, નસીરુદ્દીન શાહ, તમે આખી જિંદગી આટલી સફળતા મળી છે તે છતાં હતાશાથી પીડાતા રહ્યા છો. કોઈએ તમારી ટીકાને ગંભીરતાથી લીધી નથી. તમે જે પદાર્થોનું સેવન કરો છો એને કારણે તમને ખરા-ખોટાનું ભાન નથી થતું.

અનુપમ ખેરે આ વિડિયો પોસ્ટ કરીને શાહને જવાબ આપ્યો છેઃ

દરમિયાન, ભાજપના કટ્ટર સમર્થક ખેરને સ્વ. કેન્દ્રીય પ્રધાન સુષમા સ્વરાજનાં પતિ સ્વરાજ કૌશલે ટેકો આપ્યો છે. સ્વરાજ કૌશલે ટ્વીટ કરીને નસીરુદ્દીન શાહની ઝાટકણી કાઢી છે. મિઝોરમના ભૂતપૂર્વ ગવર્નર કૌશલે લખ્યું છે કે, શ્રીમાન નસીરુદ્દીન શાહ તમે એક કૃતઘ્ન માણસ છો. આ દેશે તમને નામ, ખ્યાતિ અને પૈસા આપ્યા છે. તે છતાં તમે દુઃખી માણસ છો. તમે લગ્ન પણ અલગ ધર્મમાં કર્યા છે. તે છતાં કોઈએ એની ટીકા નથી કરી. તમારા ભાઈ પણ ભારતીય લશ્કરમાં લેફ્ટેનન્ટ જનરલ બન્યા હતા. આનાથી વધારે તમને બીજું શું જોઈએ?

કૌશલના કહેવાનો મતલબ છે શાહની પત્ની રત્ના પાઠક વિશે, જેઓ હિન્દુ છે. નસીરના ભાઈ ઝમીરઉદ્દીન શાહ ભારતીય લશ્કરમાં લેફ્ટેનન્ટ જનરલના હોદ્દા સુધી પહોંચ્યા હતા અને હવે નિવૃત્ત થયા છે.

કૌશલે વધુમાં લખ્યું છે કે હું અનુપમ ખેરને 47 વર્ષોથી ઓળખું છું. તે પ્રામાણિક અને આત્મનિર્ભર માણસ છે, સિદ્ધહસ્ત અભિનેતા છે. એ સ્ટાર બન્યા તે છતાં સાદગીને છોડી નથી.

સ્વરાજ કૌશલે અનુપમ ખેરની તરફેણ કરતી વખતે કશ્મીરી પંડિતોની યાતનાનો પણ ઉલ્લેખ કર્યો છે. એમણે કહ્યું કે, ખેર એમના મૂળને ભૂલ્યા નથી. એમના પરિવારનું શ્રીનગરમાં ઘર હતું. કશ્મીરી પંડિતોને કશ્મીરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા એટલે તેઓ ત્યાં રહી શક્યા નથી.

કૌશલે નસીરુદ્દીન શાહને કહ્યું કે, તમે એમ સમજો છો કે તમે અનુપમ ખેર કરતાં સારા અભિનેતા છો, પણ એવું સમજવામાં તમે ગંભીર ભૂલ કરી રહ્યા છો.